- ખેડૂતો નિશાને: થરાદના વડગામડાના ખેડૂત વાઘાભાઈ ચૌધરીના SBI ખાતામાંથી 8500 રૂપિયા ઉપડી ગયા; મેસેજ આવતા જ પરિવાર સ્તબ્ધ.
- રહસ્યમય ફ્રોડ: અન્ય એક પ્રજાપતિ ખેડૂતના ખાતામાંથી 10,000 રૂપિયા ગાયબ; મોબાઈલ પર મેસેજ પણ ન આવ્યો, YONO એપમાં તપાસ કરતા ભાંડો ફૂટ્યો.
- મોટું કૌભાંડ: વાવ-થરાદ વિસ્તારના અંદાજે 100 જેટલા લોકો સાયબર છેતરપિંડીનો ભોગ બન્યાનો દાવો; બેંક અધિકારીઓએ પણ સ્વીકાર્યું કે ફ્રોડ વધી રહ્યા છે.
- પોલીસ ફરિયાદ: સીઆઈડી ક્રાઈમ ગાંધીનગર અને સ્થાનિક પોલીસમાં લેખિત અરજી; ખેડૂતોએ પોતાની મહેનતની કમાણી પરત મેળવવા કરી માંગ.
થરાદ/વાવ: બનાસકાંઠાના વાવ અને થરાદ પંથકમાં સાયબર અપરાધીઓએ ખેડૂતોને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. છેલ્લા બે દિવસમાં બે ખેડૂતોના બેંક ખાતામાંથી હજારો રૂપિયાની ઉચાપત થતાં ખેતી કરીને ગુજરાન ચલાવતા પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે.
🧐ઘટના ૧: મેસેજ આવ્યો ને રકમ ગાયબ
થરાદના વડગામડા ગામના ખેડૂત વાઘાભાઈ રમેશભાઈ ચૌધરી ગત ૨૯ માર્ચ રવિવારના રોજ ઘરે હતા, ત્યારે અચાનક તેમના મોબાઈલ પર SBI ખાતામાંથી 8500 રૂપિયા કપાઈ ગયાનો મેસેજ આવ્યો હતો. રવિવારની રજા હોવાથી તેઓ આજે 30 માર્ચના રોજ બેંક દોડી ગયા હતા, જ્યાં મેનેજરે તેમને સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરવા સૂચના આપી હતી. આ ખેડૂતે હવે ગાંધીનગર સાયબર સેલમાં ઓનલાઈન ફરિયાદ નોંધાવી છે.
🧐ઘટના ૨: મેસેજ વગર જ 10 હજાર સાફ
બીજી તરફ, અન્ય એક પ્રજાપતિ ખેડૂત સાથે પણ આવી જ ઘટના બની છે. આ ખેડૂતના ખાતામાંથી 10,000 રૂપિયા ઉપડી ગયા હોવા છતાં મોબાઈલ પર કોઈ એલર્ટ મેસેજ આવ્યો ન હતો. જ્યારે તેમણે SBIની YONO એપમાં બેલેન્સ ચેક કર્યું ત્યારે આ ચોરીની જાણ થઈ હતી. ભોગ બનનાર ખેડૂતના જણાવ્યા મુજબ, આ વિસ્તારના અંદાજે 100 જેટલા લોકો સાથે આવી છેતરપિંડી થઈ હોવાની ચર્ચાઓ છે.
🏦બેંક અને પોલીસની ભૂમિકા:
જ્યારે ખેડૂતોએ બેંકમાં તપાસ કરી, ત્યારે અધિકારીઓએ પણ સ્વીકાર્યું હતું કે હાલમાં આ પ્રકારના ફ્રોડ મોટા પાયે ચાલી રહ્યા છે. સાયબર માફિયાઓ ખેડૂતોની મહેનતની કમાણી હડપ કરી રહ્યા છે ત્યારે બંને ભોગ બનનારે પોલીસમાં લેખિત અરજી આપી ગુનેગારોને ઝડપી પાડી નાણાં પરત અપાવવા માંગ કરી છે.
🫵ડિજિટલ યુગમાં સાયબર સુરક્ષાના અભાવે ખેડૂતો લૂંટાઈ રહ્યા છે. શું પોલીસ આ ટોળકીને ઝડપી શકશે?