મોટો ગુનો દાખલ:ખંભાતમાં પોલીસ પર હુમલા મામલે મુખ્ય આરોપી લલ્લો ચુનારા સહિત ૫૫ નામજોગ અને 30 અજાણ્યા મળી 85 શખ્સો સામે ગુનો નોંધાયો.
પોલીસ પર પથ્થરમારો:પાધરીયા વિસ્તારમાં વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી LCB અને સિટી પોલીસની ટીમ પર ટોળાએ પથ્થરમારો કરતા ૨ પોલીસકર્મી ઘાયલ થયા.
23 આરોપીઓની અટકાયત:ઘટના બાદ પોલીસે નાઈટ કોમ્બિંગ હાથ ધરીને 23 ઉપદ્રવી શખ્સોને દબોચી લીધા છે.
સઘન તપાસ ચાલુ:ફરાર મુખ્ય આરોપી લલ્લો ચુનારા અને અન્ય સહાયકોને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા દરોડા અને તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે.
આણંદ જિલ્લાના ખંભાત શહેરમાં વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર થયેલા ઘાતક હુમલા અને પથ્થરમારાની ઘટનામાં પોલીસે અત્યંત કડક પગલાં લીધા છે. કાયદો અને વ્યવસ્થાને ખુલ્લેઆમ પડકારનાર આ મામલે પોલીસે મુખ્ય આરોપી સહિત કુલ 85 થી વધુ શખ્સો સામે કાયદાનો સકંજો કડક કર્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, પાસા (PASA) અને તડીપારના હુકમ બાદ લાંબા સમયથી નાસતા ફરતા કુખ્યાત આરોપી અક્ષય ઉર્ફે લલ્લો નગીનભાઈ ચુનારાને પકડવા માટે આણંદ એલસીબી (LCB) અને ખંભાત સિટી પોલીસ સ્ટેશનની સંયુક્ત ટીમ ખંભાતના પાધરીયા વિસ્તારમાં પહોંચી હતી. પોલીસે બાતમીના આધારે આરોપી લલ્લા ચુનારાને ઝડપી પણ લીધો હતો, પરંતુ પોલીસની આ કાર્યવાહી દરમિયાન આરોપીને છોડાવવા માટે તેના સાગરીતો અને આસપાસના કેટલાક ટોળાએ પોલીસ ટીમ પર આડેધડ પથ્થરમારો શરૂ કરી દીધો હતો. આ અચાનક થયેલા હુમલામાં બે પોલીસ જવાનોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી અને આ અફરાતફરીનો લાભ લઈને મુખ્ય આરોપી લલ્લો ચુનારા નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.
આ ગંભીર ઘટના બાદ ખંભાત સિટી પોલીસ સ્ટેશનમાં રાયોટિંગ, ફરજમાં રૂબરૂ અડચણ અને જાહેર સેવક પર જીવલેણ હુમલો કરવા સહિતની ગંભીર કલમો હેઠળ અક્ષય ઉર્ફે લલ્લો નગીનભાઈ ચુનારા સહિત ૫૫ નામજોગ અને 30 અજાણ્યા શખ્સો એમ કુલ 85 શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ દ્વારા પાધરીયા વિસ્તારમાં મોડી રાત્રે વિશેષ કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં પોલીસે અત્યાર સુધીમાં 23 જેટલા આરોપીઓની અટકાયત કરી લીધી છે. મુખ્ય આરોપી સહિત અન્ય ફરાર તમામ શખ્સોને વહેલી તકે જેલના સળિયા પાછળ ધકેલવા માટે પોલીસે સઘન તપાસ અને દરોડાની કાર્યવાહી ચાલુ રાખી છે.