ગુજરાતી ફિલ્મ ‘મિસરી’ના પ્રમોશન દરમિયાન કલાકારો જાહેર રસ્તા પર સ્ટંટ કરતા જોવા મળ્યા.
- માનસી પારેખ હેલ્મેટ વિના બાઇક પાછળ સ્ટંટ કરતા જોઈ, સોશિયલ મીડિયા પર ભારે વાયરલ વીડિયો.
- સ્ટંટ માટે કોઈ પોલીસ અથવા ટ્રાફિક મંજૂરી લેવામાં આવી નહોતી.
- લોકોમાં કલાકારોના બેદરકારીભર્યા વર્તનને લઈને ભારે રોષ જોવા મળ્યો.
ગુજરાતી ફિલ્મ **‘મિસરી’**ની સ્ટારકાસ્ટ હાલ ભારે વિવાદમાં ઘેરાઈ ગઈ છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વીડિયોમાં અભિનેતા રોનક, અભિનેત્રી માનસી પારેખ અને વરિષ્ઠ અભિનેતા ટીકુ તલસાણીયા અમદાવાદના જાહેર રસ્તાઓ પર ખતરનાક સ્ટંટ કરતા જોવા મળ્યા હતા.વિડિયોમાં માનસી પારેખને બાઇકની પાછળ હેલ્મેટ વિના સ્ટંટ કરતા જોતા, ગુજરાત પોલીસ હરકતમાં આવી છે.
મળતી માહિતી મુજબ, આ સ્ટંટ સાયન્સ સિટી રોડ પર કરવામાં આવ્યા હતા જ્યાં કલાકારો પ્રમોશનલ વીડિયો શૂટ કરી રહ્યા હતા. જોકે, ટ્રાફિક પોલીસની કોઈ પણ પ્રકારની મંજૂરી લેવામાં આવી નહોતી.ટ્રાફિક નિયમોનો ખુલ્લેઆમ ભંગ થતાં પોલીસે વાયરલ વિડિયોના આધારે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે.
વીડિયોમાં દેખાતા વાહનોમાંથી એક જીપ અને બે સ્પોર્ટ બાઇકની ઓળખ થઈ છે. વાહન નંબર GJ 24 AA 1275 અને GJ 01 A 1121 સહિતના ચાલકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.પોલીસે વાહન નંબરના આધારે કાર અને બાઇક ચાલકોની ઓળખ કરી છે તથા તમામ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે ફિલ્મ શૂટિંગ અથવા પ્રમોશન માટે જાહેર સ્થળે કોઈ પણ પ્રકારના સ્ટંટ કરવાના હોય, તો તે પહેલાં પોલીસ કમિશનર ઓફિસમાંથી મંજૂરી લેવી ફરજિયાત છે.
આ ઘટનાએ સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી છે અને નેટિઝન્સ સહિત સામાન્ય નાગરિકોમાં કલાકારોના બેજવાબદાર વર્તન અંગે ભારે નારાજગી જોવા મળી રહી છે. પોલીસનું કહેવું છે કે આવા જોખમી સ્ટંટ સામે દાખલારૂપ કાર્યવાહી હાથ ધરવામાં આવશે જેથી ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ જાહેર માર્ગ પર જીવ જોખમમાં મૂકતા સ્ટંટ ન કરે.