જમીનની કાયાપલટ:જીવામૃત, ઘનજીવામૃત અને બીજામૃતના ઉપયોગથી જમીનની ફળદ્રુપતા અને સૂક્ષ્મજીવોની સંખ્યામાં વધારો થાય છે.
યુનિવર્સિટીનું માર્ગદર્શન:ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી દ્વારા દેશી ગાય આધારિત સંશોધનો અને ખેતી મોડલ્સ વિકસાવવામાં આવ્યા છે.
ઉત્પાદન ખર્ચમાં ઘટાડો:સ્થાનિક સંસાધનોના ઉપયોગથી ખેડૂતો ઓછા ખર્ચે વધુ ગુણવત્તાયુક્ત અને ઝેરમુક્ત પાક મેળવી શકે છે.
પર્યાવરણ અને સ્વાસ્થ્યનું રક્ષણ:પ્રાકૃતિક ખેતીથી જમીન, પાણી અને માનવ સ્વાસ્થ્યનું સંરક્ષણ થાય છે તેમજ ખેડૂતો આર્થિક રીતે સક્ષમ બને છે.
વડોદરા: રાસાયણિક ખેતીના વધતા પ્રભાવને કારણે જમીનની ફળદ્રુપતા સતત ઘટી રહી છે, ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે અને પર્યાવરણ પર પણ વિપરીત અસરો જોવા મળી રહી છે. આજના સમયમાં આ ગંભીર સમસ્યામાંથી બહાર આવવા માટે પ્રાકૃતિક ખેતી સમયની તાતી જરૂરિયાત બની ગઈ છે. પ્રાકૃતિક ખેતીમાં જીવામૃત, ઘનજીવામૃત અને બીજામૃત જેવા બાયો-ઇનપુટ્સનો ઉપયોગ કરીને જમીનને સજીવ બનાવવાની સાથે પાકનું સ્વાસ્થ્ય પણ ઉત્તમ રીતે સુધારી શકાય છે.
🐄યુનિવર્સિટી દ્વારા વિશેષ સંશોધનો અને ગૌવંશ આધારિત ખેતી:
પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકા ખાતે આવેલી ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીમાં ૧૫ હેક્ટરમાં સંશોધન ફાર્મ તૈયાર કરવામાં આવ્યું છે, જ્યાં પંચસ્તરીય અને લક્ષ્યાધિપતિ જેવા નવીન ખેતી મોડલ્સ વિકસાવવામાં આવ્યા છે. આ યુનિવર્સિટીમાં પ્રાકૃતિક કૃષિની ઓળખ સમાન ગીર ગાયોની ગૌશાળા પણ કાર્યરત છે. યુનિવર્સિટીના વેટનરી ડૉક્ટર અપૃવ શાહે જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી સંપૂર્ણપણે દેશી ગાય આધારિત છે. અહીં ઉપલબ્ધ ગૌવંશના ગોબર અને ગૌમૂત્રનો ઉપયોગ સંશોધન ફાર્મમાં કરવામાં આવે છે.
👨🌾પ્રાકૃતિક ખેતીના ત્રણ મુખ્ય આયામો:
૧. જીવામૃત: તે એક મહત્વપૂર્ણ પ્રવાહી જૈવ સંસ્કૃતિ (બાયો કલ્ચર) છે. દેશી ગાયના તાજા છાણ, ગૌમૂત્ર, કઠોળનો લોટ, દેશી ગોળ અને વડના વૃક્ષ નીચેની માટીમાંથી તે સરળતાથી તૈયાર થાય છે. આ દ્રાવણ જમીનમાં લાભકારી સૂક્ષ્મજીવોની સંખ્યા વધારીને ફળદ્રુપતા અને પોષક તત્વોની ઉપલબ્ધતા વધારે છે. તેનો ઉપયોગ છંટકાવ તેમજ પિયત સાથે ૪૦૦ લિટર/એકર/પિયત માત્રામાં કરી શકાય છે.
૨. ઘનજીવામૃત: સૂકા ગોબર અને તૈયાર જીવામૃતમાંથી બનતું આ ખાતર જમીનમાં સજીવ કાર્બનનું પ્રમાણ વધારે છે, ભેજ જાળવી રાખે છે અને પાણી ધારણ કરવાની ક્ષમતામાં વધારો કરે છે. પ્રતિ એકર આશરે ૧૦૦૦ કિલોગ્રામ ઘનજીવામૃત વાપરવાની ભલામણ કરવામાં આવે છે.
૩. બીજામૃત: વાવણી પહેલાં બીજની માવજત માટે આ પ્રાકૃતિક દ્રાવણ વપરાય છે. ગાયના છાણ, ગૌમૂત્ર, ચૂનો અને વડની માટીમાંથી બનતું બીજામૃત બીજની અંકુરણ ક્ષમતા વધારે છે અને છોડની પ્રારંભિક વૃદ્ધિ ઝડપી બનાવે છે.
🗣️કૃષિ વૈજ્ઞાનિકોના અભિપ્રાય:
યુનિવર્સિટીના કૃષિ વૈજ્ઞાનિક ડૉ. અલ્પેશ ભીમાણીએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી કોઈ વૈકલ્પિક પદ્ધતિ નથી, પરંતુ સ્થાનિક સંસાધનોના ઉપયોગથી ખેડૂતોને ઓછી કિંમતમાં વધુ ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવામાં મદદરૂપ થતી ઉત્તમ પદ્ધતિ છે. જીવામૃત અને ઘનજીવામૃતમાં રહેલા સૂક્ષ્મજીવો જમીનમાં રહેલા અપ્રાપ્ય પોષક તત્વોને તોડીને છોડ માટે સરળતાથી ઉપલબ્ધ બનાવે છે, જેથી નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ અને અન્ય સૂક્ષ્મ તત્વોમાં વધારો થાય છે.
આજના સમયમાં જમીનની ઘટતી ગુણવત્તા અને વધતા ખર્ચ વચ્ચે પ્રાકૃતિક ખેતી અપનાવીને ખેડૂતો આર્થિક રીતે આત્મનિર્ભર બની શકે છે અને આગામી પેઢી માટે ફળદ્રુપ જમીન તથા સ્વસ્થ પર્યાવરણનું નિર્માણ કરી શકે છે.