નવા વર્ષ 2026ની શરૂઆત સાથે જ આમ જનતા પર મોંઘવારીનો માર પડ્યો છે. 1 જાન્યુઆરી, 2026થી દેશમાં પાંચ મોટા ફેરફારો અમલી બન્યા છે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. ગેસ સિલિન્ડરના ભાવ વધારાથી લઈને મોંઘી કાર સુધી, જાણો આજના પાંચ મુખ્ય ફેરફારો વિશે.
- કોમર્શિયલ ગેસ સિલિન્ડર : ભાવમાં રૂ. 111નો વધારો
વર્ષના પહેલા જ દિવસે ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ મોંઘવારીનો ઝટકો આપ્યો છે. 19 કિલોના કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતમાં રૂ. 111નો વધારો કરવામાં આવ્યો છે.
- દિલ્હી: રૂ. 1580.50 થી વધીને રૂ. 1691.50
- મુંબઈ: રૂ. 1531.50 થી વધીને રૂ. 1642.50
- ઘરેલુ ગેસ: રાહતની વાત એ છે કે 14.2 કિલોના ઘરેલુ સિલિન્ડરના ભાવ સ્થિર રાખવામાં આવ્યા છે.
- વિમાન ઈંધણ (ATF) સસ્તું થયું
હવાઈ મુસાફરો માટે સારા સમાચાર છે. એરલાઇન્સના સંચાલન ખર્ચમાં જેનો 40% હિસ્સો હોય છે તેવા એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF)ના ભાવમાં ઘટાડો થયો છે. દિલ્હીમાં જેટ ફ્યુઅલની કિંમત રૂ. 99,676 થી ઘટીને રૂ. 92,323 પ્રતિ કિલોલીટર થઈ છે. આનાથી આગામી સમયમાં વિમાનની ટિકિટ સસ્તી થઈ શકે છે.
- નવી કાર ખરીદવી પડશે મોંઘી
જો તમે નવા વર્ષમાં નવી કાર લેવાનું વિચારી રહ્યા છો, તો ખિસ્સું વધુ હળવું કરવું પડશે. ઉત્પાદન ખર્ચ અને કાચા માલના ભાવ વધવાને કારણે Hyundai, Tata Motors, અને BMW જેવી દિગ્ગજ કંપનીઓએ તેમના વાહનોની કિંમતમાં 0.6% થી 3% સુધીનો વધારો જાહેર કર્યો છે.
- ભારત-ઓસ્ટ્રેલિયા વ્યાપાર કરાર: ‘ઝીરો ટેરિફ’નો લાભ
ભારતીય નિકાસકારો માટે ઐતિહાસિક દિવસ છે. ઈન્ડિયા-ઓસ્ટ્રેલિયા ECTA કરારના 3 વર્ષ પૂર્ણ થતા, આજથી ઓસ્ટ્રેલિયા ભારતની 100% પ્રોડક્ટ્સ (જેમ કે ટેક્સટાઈલ, લેધર, જેમ્સ-જ્વેલરી) પર ઝીરો ડ્યુટી લાગુ કરી રહ્યું છે. આનાથી ભારતીય વસ્તુઓ ઓસ્ટ્રેલિયાના બજારમાં સસ્તી અને વધુ સ્પર્ધાત્મક બનશે.
- જાન્યુઆરીમાં બેન્કોની રજાઓનું લિસ્ટ
RBI ના કેલેન્ડર મુજબ, જાન્યુઆરી 2026 માં દેશના અલગ-અલગ ભાગોમાં કુલ 16 દિવસ બેન્કો બંધ રહેશે.
ગુજરાતમાં: રવિવાર, બીજા-ચોથા શનિવાર અને ઉત્તરાયણ (14 જાન્યુઆરી) સહિત કુલ 8 દિવસ બેન્કોમાં કામકાજ બંધ રહેશે.
નોંધ: બેન્ક શાખાઓ બંધ હોવા છતાં, ઓનલાઈન ટ્રાન્સફર અને ATM સેવાઓ કાર્યરત રહેશે.
અન્ય મહત્વના ફેરફારો (ટૂંકમાં):
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ માટે 8મા પગાર પંચની જોગવાઈઓ આજથી ગણતરીમાં લેવાની શક્યતા છે.
PAN-Aadhaar: જે લોકોએ 31 ડિસેમ્બર સુધી પાન-આધાર લિંક નથી કરાવ્યું, તેમના પાન કાર્ડ આજથી ‘ઈનઓપરેટિવ’ થઈ શકે છે.