આ પ્રોજેક્ટ મંદિરો માટે પણ લાભદાયી છે. બજરંગધામ અને શિવ શક્તિ મંદિર જેવા કેટલાક મંદિરોમાં “કમ્પોસ્ટર મશીન” લગાવવામાં આવ્યા છે, જેથી ફૂલોના કચરામાંથી ત્યાં જ ખાતર બનાવી શકાય.
જ્યાં સુધી પર્યાવરણ બચાવવાની વાત છે, ત્યાં સુધી હવે કચરાને કચરો નહિ પણ એક સંસાધન માનવામાં આવી રહ્યું છે. વડોદરામાં શરૂ થયેલો “ફૂલ પ્રસાદી” પ્રોજેક્ટ આ જ વિચારસરણીનું એક ઉત્તમ ઉદાહરણ છે. આ પ્રોજેક્ટ મંદિરોમાંથી નીકળતા નિર્માલ્ય (ફૂલોના કચરા) ને ફેંકી દેવાના બદલે તેનો ઉપયોગ ખાતર, અગરબત્તી અને સાબુ જેવા ઉપયોગી ઉત્પાદનો બનાવવામાં કરીને પર્યાવરણ અને સમાજ બંનેને લાભ પહોંચાડી રહ્યું છે.
કચરે સે આઝાદી (KSA) ફાઉન્ડેશન દ્વારા શરૂ કરાયેલા આ પ્રોજેક્ટના સ્થાપક ડૉ. સુનીત ડાબકે જણાવે છે કે, પહેલા મંદિરોના ફૂલો નદીઓ અને તળાવોમાં વિસર્જિત થતા હતા, જેનાથી જળ પ્રદૂષણ થતું હતું. “ફૂલ પ્રસાદી” આ પ્રથાને બદલીને ફૂલોને ઉપયોગી ચીજવસ્તુઓમાં રૂપાંતરિત કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ગયા વર્ષે ગણેશોત્સવ દરમિયાન ૮૫૦ કિલો ફૂલોનો ઉપયોગ થયો હતો, જે આ વર્ષે વધીને ૧ ટનથી પણ વધુ થઈ ગયો છે.
હાલમાં આ પ્રોજેક્ટ વડોદરાના ૧૦૦ જેટલા મંદિરો સાથે મળીને કામ કરે છે અને વર્ષે લગભગ ૨૦ થી ૨૫ મેટ્રિક ટન ફૂલોના કચરાનો ઉપયોગ કરે છે. આ સંખ્યાને આગામી સમયમાં ૫૦ મેટ્રિક ટન સુધી લઈ જવાનો લક્ષ્યાંક છે.
“ફૂલ પ્રસાદી” પ્રોજેક્ટ માત્ર પર્યાવરણ બચાવવા પૂરતો સીમિત નથી, પરંતુ તે અનેક લોકો માટે આવકનું નવું સાધન બન્યો છે. આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા ૧૫૦ જેટલા ફૂલ વેચનારાઓ હવે માત્ર ફૂલો જ વેચતા નથી, પરંતુ ફૂલોના કચરામાંથી બનેલા ખાતર અને અગરબત્તીઓ પણ વેચીને પોતાની આવકમાં વધારો કરી રહ્યા છે.
જ્યારે આ પ્રોજેક્ટ સાથે જોડાઈને ૩૦ મહિલાઓ પોતાના ઘરમાં બેસીને સાબુ અને અગરબત્તી બનાવી રહી છે અને મહિને છ હજાર રૂપિયાથી વધુની કમાણી કરી રહી છે. આ રીતે તેમને ગૌરવપૂર્ણ રોજગારી મળી રહી છે.
સરકાર પણ આવા પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન આપી રહી છે. તાજેતરમાં, હાલોલના ધારાસભ્ય શ્રી જયદ્રથસિંહજી દ્વારા બાસ્કા પંચાયત ખાતે આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, સાથે જ નવા સ્ટોરનું પણ અનાવરણ થયું હતું જ્યાં આ ઉત્પાદનો વેચાશે. એટલું જ નહિ, પાવાગઢ મંદિરને “ઇકો-ટેમ્પલ” તરીકે વિકસાવવા માટે પણ વિચારણા ચાલી રહી છે, જેમાં આ પ્રોજેક્ટ એક મોડેલ બની શકે છે.