દ્વારકામાં દાદાનું બુલડોઝર એવું ફરી વળ્યું કે, ટૂંક સમયમાં 1.5 લાખ ચોરસ મીટરથી વધુની સરકારી જમીન પરથી ગેરકાયદે દબાણો દૂર કરાયા, 316 કરોડ કિંમતની જમીન ખાલી થઈ.
- આશરે 1.5 લાખ ચોરસ મીટરથી વધુની સરકારી જમીન પરથી ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા છે.
- બે તબક્કામાં ચાલેલી આ કાર્યવાહીમાં 700 થી વધુ ગેરકાયદે બાંધકામો, જેમાં ધાર્મિક સ્થળો, રહેણાંક અને વ્યાપારી એકમોને હટાવવામાં આવ્યા
- કાર્યવાહીમાં બેટ દ્વારકા, ઓખા, અને દરિયાકાંઠાના ટાપુઓ જેવા સંવેદનશીલ વિસ્તારોમાં હાથ ધરવામાં આવી હતી
- આ દબાણો દરિયાઈ સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા અને દ્વારકા કોરિડોર જેવા વિકાસના કાર્યો માટે અવરોધરૂપ હતા
- મેગા ડિમોલેશન કાર્યવાહીથી વિકાસ માટે કિંમતી જમીન ઉપલબ્ધ બની છે અને શહેરી વ્યવસ્થામાં સુધારો થયો છે
કૃષ્ણની દ્વારિકા નગરીમાં સરકાર દ્વારા થોડા સમય પહેલા મેગા ડિમોલિશન હાથ ધરાયું હતુ. ત્યારે આ ડિમોલિશન થકી દ્વારકામાં રૂપિયા 316 કરોડની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે. દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મેગા ડિમોલેશન ઝુંબેશ ચલાવીને ₹316 કરોડથી વધુની કિંમતની જગ્યા ખુલ્લી કરવામાં આવી છે.
દરિયાઈ સીમા ધરાવતો સૌરાષ્ટ્રનો પશ્ચિમ પ્રદેશ છે. દ્વારકા તાલુકાનું દરિયાઈ સુરક્ષા, ધાર્મિક આસ્થા, ઔદ્યોગિક સલામતિ તેમજ પ્રવાસન ક્ષેત્રે આગવું મહત્વ ધરાવે છે. દ્વારકા ટાઉનમાં વિશ્વ પ્રસિધ્ધ થી દ્વારકાધીશ મંદિર આવેલુ છે, જે દેશ-વિદેશના કરોડો ભક્તોનું આસ્થાનું કેન્દ્ર છે. આ ઉપરાંત દ્વારકા તાલુકામાં ૧૨ જ્યોર્તિલીંગ પૈકીનું એક જ્યોર્તિલીંગ શ્રી નાગેશ્વર જ્યોર્તિલીંગ મંદિર, રૂક્ષ્મણી મંદિર, ગોપી તળાવ, બેટ દ્વારકા ખાતે શ્રી દ્વારકાધીશ મંદિર તથા ભીમરાણા ખાતે શ્રી મોગલ માતાજી મંદિર જેવા અનેક પ્રસિધ્ધ ધાર્મિક સ્થળો આવેલા છે. જે દર વર્ષે ખુબ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓને યાત્રાર્થે આકર્ષે છે. આ ઉપરાંત ઓખા અને દ્વારકાને જોડતો સુદર્શન સેતુ અને પાછલા પાંચ વર્ષોથી જેને બ્લ્યુ ફ્લેગ બીચનું પ્રમાણપત્ર મળ્યુ છે એવુ શીવરાજપુર બીચ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે. તેમજ સરકાર દ્વારા દ્વારકા કોરીડોરની કામગીરી પણ હાલમાં ચાલી રહી છે.
ઔદ્યોગિક દ્રષ્ટિએ દ્વારકા તાલુકામાં તાતા કેમિકલ્સ લી. તેમજ આર.એસ.પી.એલ. લી. જેવા બે મોટા ઔદ્યોગિક ગૃહોના પ્લાન્ટ આવેલા છે. તેમજ અન્ય નાના ઔદ્યોગિક એકમો હાલ કાર્યરત છે તેમજ આ ઉપરાંત પુન: પ્રાપ્ય ઉર્જા ક્ષેત્રે દ્વારકામાં અંદાજે ૨૭૦ જેટલી સંખ્યાની પવનચક્કિ કાર્યરત છે. જે દ્વારકા તાલુકાને ઔદ્યોગિક દ્રષ્ટિએ સંવેદનશીલ ક્ષેત્ર બનાવે છે.
દ્વારકા ખાતે કોવિડ પછીના વર્ષોમાં પ્રવાસીઓની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો થવાથી પ્રવાસન ઉદ્યોગની પ્રવૃતિને વેગ મળ્યો છે. જેના કારણે વિવિધ સરકારી જમીન પર વાણીજયક હેતુથી દબાણમાં વધારો જોવા મળેલ છે. પ્રવાસન પ્રવૃતિને વેગ મળવાને કારણે દ્વારકા તાલુકાની જમીન પણ ખુબ જ કિંમતી બનેલ છે. આથી સરકારી જમીન પરનાં દબાણોને સત્વરે દુર કરવા જરૂરી બન્યા છે. જેથી વિકાસના અન્ય કામો માટે કિંમતી સરકારી જમીન ખુલ્લી કરી શકાય, વહિવટી દ્રષ્ટિએ અત્રેના તાલુકામાં ૨ નગરપાલિકા દ્વારકા નગરપાલિકા (દ્વારકા ટાઉન વિસ્તાર), ઓખા નગરપાલિકા (ઓખા ટાઉન, આરંભડા, બેટ, સુરજકરાડી વિસ્તાર) નો સમાવેશ થાય છે. આથી વહિવટી તંત્ર દ્વારા બે તબક્કામાં દબાણ હટાવાની કામગીરી કરવામાં આવી હતી. તો ક્યાં કેટલી જમીન ખુલ્લી કરાઈ તે જાણીએ.