નેપાળની રાજધાની કાઠમંડુમાં આજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધનો વિરોધ કરતાં મોટાપાયે Gen-Z દેખાવો થઈ રહ્યા છે. હજારોની સંખ્યામાં Gen-Z યુવાનો અને યુવતીઓ રસ્તા પર ઉતર્યા છે. તેઓ સરકાર દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાદવામાં આવેલા પ્રતિબંધને પાછો ખેંચવાની માગ સાથે સંસદ ભવનમાં ઘૂસી ગયા હતા. આંદોલનકારીઓનું આ આંદોલન ઉગ્ર ન બને તે હેતુ સાથે વહીવટીતંત્રે વિસ્તારમાં કરફ્યુનો આદેશ આપ્યો હતો પરંતુ સ્થિતિ વણસતાં યુવાનો સંસદમાં ઘૂસ્યા જેના પગલે સુરક્ષાદળોએ તેમને રોકવાના પ્રયાસ રૂપે ફાયરિંગ કર્યું તો મામલો બીચક્યો. જેમાં 16 વિદ્યાર્થીના મોત, જ્યારે 100થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા.
નેપાળની ઓલી સરકારે ફેસબુક, યુટ્યુબ, ઈન્સ્ટાગ્રામ, અને X સહિત વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ લાદવાનો નિર્ણય લીધા બાદ મોટાપાયે આંદોલનકારીઓ Gen-Z આંદોલન સાથે રસ્તા પર ઉતરી આવ્યા છે.
નેપાળમાં Gen Z આંદોલન ઉગ્ર બન્યું છે. નેપાળની સરકારે આંદોલનકારીઓને જોતાં જ ગોળી મારવાનો આદેશ આપ્યો છે. નેપાળના પીએમએ પોલીસ અને સુરક્ષા દળોને આંદોલનકારીઓને જોતાં જ ગોળી મારવાનો આદેશ આપ્યા બાદ ઈમરજન્સી બેઠક બોલાવી છે.
આંદોલનકારીઓએ સંસદનો દરવાજો તોડી નાખ્યો હતો. બાદમાં આંગ ચાંપી હતી. પોલીસ અને દેખાવકારો વચ્ચે અથડામણ હિંસક બનતાં ગોળીબાર કરવામાં આવ્યો હતો. જેમાં 100થી વધુ લોકો ઘાયલ થયા છે. કાઠમંડુની હોસ્પિટલ ઈજાગ્રસ્તોથી ફૂલ થઈ છે. જેમાં ઘણા વિદ્યાર્થીઓને ગંભીર ઈજા થઈ હોવાથી મોતનો આંકડો વધવાની ભીતિ છે.
એશિયા આઈસીસીએ નેપાળ પોલીસ અને દળોની કુમળા વિદ્યાર્થીઓ પર કરવામાં આવેલી કાર્યવાહીનો વિરોધ કર્યો છે. તેણે સોશિયલ મીડિયા પોસ્ટ પર જણાવ્યું હતું કે, નેપાળ પોલીસ અને સુરક્ષા દળોએ ભ્રષ્ટાચાર વિરૂદ્ધ આંદોલન કરી રહેલા શાળાના ગણવેશમાં સજ્જ વિદ્યાર્થીઓ પર ગોળીબાર કર્યો છે. બાળકો પર આ પ્રકારનો હુમલો નિંદાજનક છે. નેપાળ પોલીસ અને સુરક્ષા દળોના આ પગલાંની વિશ્વભરના માનવાધિકાર સંગઠનો ટીકા કરે છે.
દસ હજારથી વધુ Gen Z યુવાનોએ કાઠમંડુ, પોખરા, બુટવલ, ધારણ, ગોરાહી સહિતના શહેરોમાં વિરોધ રેલી યોજી હતી. તેઓ સુત્રોચ્ચાર કરી રહ્યા હતા કે, અમે આંદોલન કર્યું છે, અમે ભ્રષ્ટાચાર વિરૂદ્ધ લડીશું. હજારોની સંખ્યામાં યુવાનોના ટોળા રસ્તા પર ઉતરી આવતા નેપાળી આર્મી તૈનાત કરવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ તે હેતુ સાથે કાઠમંડુ સહિત અમુક વિસ્તારોમાં કરફ્યુનો અમલ કરવામાં આવ્યો છે.
કાઠમંડુના વિવિધ શહેરોમાં વડાપ્રધાન કેપી શર્મા ઓલી સરકાર વિરૂદ્ધ Gen-Z રિવોલ્યૂશન શરૂ થયુ છે. મૈતીઘર, કાઠમંડુ, અને અન્ય ટોચના શહેરોમાંથી હજારોની સંખ્યામાં યુવાનો ભ્રષ્ટાચાર અને સરકારના સોશિયલ મીડિયા પર અંકુશનો વિરોધ કરતાં રેલી યોજી રહ્યા છે. તેઓએ સરકાર પર નાગરિકોની આઝાદી છીનવી લેવાનો આરોપ મૂકતાં સુત્રોચ્ચાર કર્યા છે.