- વર્ષ 2022માં થયેલા ટ્રેકટર કૌભાંડની તપાસ આજે પણ ઠેરની ઠેર, DDO દ્વારા પણ તાપસમાં ઢીલ મુકાઈ?
- તત્કાલીન TDO પણ નોકરી પર પરત ફર્યા, જોકે કૌભાંડમાં ચોપડે સહી કરનાર તલાટીઓની સંડોવણી સાબિત થવાની શક્યતોને કારણે તપાસ આગળ ધપાવવામાં આવતી નથી?
- ન્યાયના અલગ અલગ કાટલાં? જે કૌભાંડ સાબિત નથી થયું,તેમાં DDO ત્વરિત સસ્પેન્ડ કરવાનો હુકમ કરે છે. અને જે કૌભાંડ સાબિત થયું છે તેમાં તપાસ પુરી કરવામાં આવતી જ નથી?
એક સમયે ભ્રષ્ટાચારનો અખાડો બનેલા વડોદરા તાલુકાના ગ્રામપંચાયતમાં બજાર કિંમત કરતા એક લાખ રૂપિયા વધુ ચુકવણું કરીને ગ્રામપંચાયતો પર જબરજસ્તી ટ્રેકટર ખરીદી થોપી દેવામાં આવી હતી. જેમાં તત્કાલીન TDO દેસાઈ દ્વારા એક જ એજન્સી પાસેથી કોટેશન મંગાવીને ગ્રામપંચાયતોમાં તલાટીઓ અને સરપંચોની સહી સાથેના ચેક મેળવીને ટ્રેકટર ડિસ્ટ્રીબ્યુટર એજન્સીને આપી દેવામાં આવ્યા હતા. કેટલાક સરપંચ દ્વારા કૌભાંડની ગંધ આવી જતા સહીઓ કરવામાં આવી ન હતી.
જ્યારે 70 ટકા તલાટીઓ અને સરપંચોએ ચેક પર સહી કરીને આપી દીધા હતા. આ કૌભાંડમાં તત્કાલીન TDOને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જ્યારે ગાંધીનગરથી તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. જાણે અજાણે કૌભાંડના ભાગીદાર બનેલા તલાટીઓ સામે કાર્યવાહી થઈ શકે તેવા ડરને કારણે આજે બે વર્ષ બાદ પણ તપાસ ઠેરની ઠેર છે. નાયબ જીલ્લા વિકાસ અધિકારની સીધી દોરવણી હેઠળ ચાલતી તપાસ હાલ સુધી કોઈ નિર્ણય પર પહોંચી નથી.
કૌભાંડમાં સહી કરનાર તલાટીઓ પણ એટલા જ જવાબદાર!
બીજી તરફ વડોદરા તાલુકા પંચાયતની એક ગ્રામપંચાયત થયેલા નારેગા કૌભાંડમાં ગ્રામ રોજગાર સેવક,સુપરવાઈઝર,તલાટી અને સરપંચની સહીઓ હોવા છતાંય જીલ્લા વિકાસ અધિકારી તંત્રએ ખૂબ સાવચેતી પૂર્વક તલાટીની બચાવી લઈને સરપંચ,ગ્રામરોજગાર સેવક તેમજ સુપરવાઈઝર વિરુદ્ધ FIR કરીને સરપંચને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો. ત્યારે ટ્રેકટર કૌભાંડમાં ચેક પર સહી કરનાર તલાટીઓ અને સરપંચો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં જીલ્લા વિકાસ અધિકારી તંત્રને કોનો ડર લાગે છે? શું રાજકીય દબાણને વશ થઈને જીલ્લા વિકાસ અધિકારી કાર્યાવહી કરવાના માપદંડ નક્કી કરે છે? આવા અનેક સવાલ આ બંને કિસ્સાની વિરોધાભાસી કાર્યવાહીમાં સામે આવ્યા છે.