- ધારાસભ્ય શૈલેષ સોટ્ટાએ સરકારમાં અસરકારક રજુઆત કરી હતી. જે બાદ સરકારમાંથી ગ્રાન્ટ મંજુર થતા કામકાજ શરૂ કરવામાં આવ્યું હતું
વડોદરા ગ્રામ્યમાં આવતા દર્ભાવતી (ડભોઇ)નો પોતાનો સેંકડો વર્ષો જુનો ઇતિહાસ હોવાની માન્યતા છે. હવેથી ડભોઇ નગરપાલિકાનું કામકાજ રૂ. 5 કરોડના ખર્ચે તૈયાર નવા બિલ્ડીંગમાંથી કરવામાં આવશે. આજરોજ સ્થાનિક સાંસદ જશુભાઇ રાઠવા અને ડભોઇના ધારાસભ્ય શૈલેષ સોટ્ટાના હસ્તે બિલ્ડીંગનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આજે સાંજે સુપ્રસિદ્ધ લોકકલાકાર દેવાયત ખવડ ના ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.
વડોદરા ગ્રામ્યમાં આવતા ડભોઇ (દર્ભાવતી)માં નવી નગર પાલિકાની બિલ્ડીંગની જરૂરત જણાતા ધારાસભ્ય શૈલેષ સોટ્ટાએ તે અંગેની સરકારમાં અસરકારક રજુઆત કરી હતી. જે બાદ સરકારમાંથી ગ્રાન્ટ મંજુર થતા કામકાજ શરૂ કરવામાં આવ્યું છે. જેના ફળસ્વરૂપે નવીન બિલ્ડીંગ તૈયાર છે. આજરોજ તેનું સ્થાનિક સાંસદ જશુભાઇ રાઠવા અને ડભોઇના ધારાસભ્ય શૈલેષ સોટ્ટાના હસ્તે ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. રૂ. 5 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા નવા બિલ્ડીંગના ઉદ્ધાટન પ્રસંગે પાલિકા રૂ. 12 લાખનો ખર્ચ કરનાર હોવાનું સ્થાનિક સુત્રોનું જણાવવું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગતરોજ આ કાર્યક્રમ અંગેની આમંત્રણ પત્રિકા સામે આવી હતી. જેમાં સ્થાનિક સાંસદ અને ધારાસભ્યના નામો ગાયબ હતા. જેથી પંથકમાં તરહ તરહની ચર્ચાઓએ સ્થાન લીધું હતું. જો કે, આમંત્રણ પત્રિકામાં અવગણના કરવામાં આવેલા નેતાઓના જ હસ્તે બિલ્ડીંગનું લોકાર્પણ કરવામાં આવતા વિરોધીઓ ફાવ્યા નહીં હોવાની ચર્ચાએ પંથકમાં જોર પકડ્યું છે. આ કૃત્યના આગામી સમયમાં કોઇ રાજકીય પડઘા પડે છે કે નહીં તે જોવું રહ્યું.