જીલ્લા પંચાયતની નવી સત્તાને એક વર્ષ થશે છતાંય જીલ્લા ભાજપના ચોપડે હજી સુધાબેન પરમાર જ શાસક પક્ષના નેતા
કાર્યક્રમના સંયોજક,સહ સંયોજક હજી અપડેટ થયા જ નથી?
ભાજપમાં સંગઠન પર્વની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે, નેતાઓને સારા હોદ્દા મળે તે માટેની દોડ શરૂ થઈ ગઈ છે. કોઈને જીલ્લા પ્રમુખ થવું છે તો કોઈને બઢતી સાથે મહામંત્રી થવું છે. જોકે આ સંગઠનની દોડમાં સંગઠન અને તેના નિમાયેલા હોદ્દેદારોના અધૂરા જ્ઞાનથી નેતાઓની કાર્યક્ષમતાના દર્શન થાય જાય છે.
કટોકટીના કાળા દિવસોને યાદ કરવા ભાજપ દ્વારા રાષ્ટ્ર ભરમાં જીલ્લા કક્ષાએ કાર્યક્રમો યોજવામાં આવનાર છે. 25 જૂને યોજનાર કાર્યક્રમો માટે અગાઉથી જ આયોજનો શરૂ કરી દેવામાં આવ્યા છે. જ્યાં અપેક્ષિતોને સૂચનાઓ પણ અપાઈ ગઈ છે. અને મીડિયાને કાર્યક્રમ કવરેજ કરવાના આમંત્રણ પણ પાઠવી દેવામાં આવ્યા છે. આ સંપૂર્ણ જવાબદારી સંયોજક અને સહ સંયોજકની થતી હોય છે ત્યારે કાર્યક્રમને આખરી ઓપ આપી દેવાયો છે.
તેમ છતાંય બે દિવસ પૂર્વેથી ફરતી થયેલી આમંત્રણ પત્રિકામાં ભાજપના કોઈ નેતાને કોઈ ભૂલ આંખે ઉડીને વળગી નથી. આમંત્રણ પત્રિકામાં અતિથિ વિશેષ તરીકે આમંત્રિત હોદ્દેદારોમાં જીલ્લા પંચાયતમાં શાસક પક્ષના નેતા તરીકે સુધાબેન પરમારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે સુધાબેન પરમારને બદલે ગત સપ્ટેમ્બર માસમાં રેશ્માબેન વસાવાને જીલ્લા પંચાયતના શાસક પક્ષના નેતાની જવાબદારી સોંપવામાં આવી છે. છતાંય પત્રિકામાં જુના શાસક પક્ષના નેતાના નામનો જ ઉલ્લેખ છે. એવું નથી કે તમામ હોદ્દેદારોના નામો અપડેટ થયા નથી. ફક્ત શાસક પક્ષના નેતાનું નામ જીલ્લા ભાજપના ચોપડે અપડેટ થયું નથી.
પ્રુફ રીડિંગ વિના ફરતી કરી દેવામાં આવેલી પત્રિકાએ કાર્યક્રમના સંયોજક અને સહ સંયોજકોના પક્ષ પ્રત્યેના સમર્પણના દર્શન કરાવે છે. જોકે, આ ભૂલની ભાજપના નેતાઓમાં જ ચર્ચા ચાલી છે.