(મૌલિક પટેલ) વડોદરા જીલ્લાના રાજકારણમાં એક મોટું નામ કહેવાતા સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે આજે સવારે ફરી એક વાર ધારાસભ્ય પદેથી રાજીનામું ધરી દેતા વિવાદ સર્જાયો છે. એક સમયના અપક્ષ ધારાસભ્ય ભાજપમાં જોડાયા બાદ સતત સંઘર્ષ સહન કરી રહ્યા હોવાની વાત સામે આવી છે. ભાજપ પક્ષના હોદ્દેદારો દ્વારા લેવામાં આવેલા કેટલાક નિર્ણયોને કારણે કેતન ઈનામદાર લાંબા સમયથી નારાજ ચાલી રહ્યા હોવાની વાત સપાટી પર આવી છે. જયારે પ્રદેશ કક્ષા સુધી રજૂઆત કર્યા બાદ પણ કોઈ નિર્ણય નહિ આવતા અંતે રાજીનામું આપી દેવાના વિકલ્પની પસંદગી કેતન ઇનામદારે કરી છે.
કેતન ઈનામદારનું મધ્યગુજરાતમાં રાજકીય મહત્વ વધારે રહેલું છે. વડોદરા લોકસભામાં આવતી જીલ્લાની બે વિધાનસભામાં કેતન ઈનામદારનો મોટો સિંહફાળો રહેલો છે. ખુબ સારી લીડથી જીતતા કેતન ઈનામદારનો કાર્યકર્તા સમૂહ અને વિસ્તારમાં લોકપ્રિયતા ઘણી વિશાળ છે. આ સાથે તેઓ હાલના લોકસભાના ઉમેદવાર રંજનબેન ભટ્ટના નીકટના હોવાનું પણ જગજાહેર છે. બહેન-ભાઈ તરીકે જાહેરમાં તેઓ ઓળખાય છે.
લોકસભાની દાવેદારી માંગતા કેતન ઈનામદાર અચાનક કેમ રાજીનામું આપવા તૈયાર થયા?
તાજેતરમાં જયારે લોકસભાની ઉમેદવારી માટે કોન્સેસ પ્રક્રિયા શરુ થઇ ત્યારે હાલના સાંસદ રંજનબેન ભટ્ટ સાથે કેતન ઈનામદારે પણ લોકસભાની ચુંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પાર્લામેન્ટ્રી બોર્ડ સમક્ષ રજુ થયેલા નામોમાં કેતન ઇનામદારની પણ દાવેદારી હતી. જોકે પક્ષ દ્વારા ત્રીજી વાર માટે રંજનબેનના નામની જાહેરાત કરવામાં આવતા કેતન ઈનામદારે તેઓને સમર્થન કર્યું હતું.
“ઘી ઢોળાયું તો ખીચડીમાં” રંજનબેનને ત્રીજીવારની પસંદગી થી કેતન ઈનામદારને રાજકીય કારકિર્દીમાં વધુ એક એક્સ્ટેન્શન મળી ગયું હતું. જેથી બંને તરફ વિન વિન પરિસ્થિતિ હતી. પણ ત્યાર બાદ રંજનબેનની ઉમેદવારી સામે પક્ષના રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ ડો. જ્યોતિબેન પંડ્યાએ પડકાર ફેક્યો હતો. અને ત્યાર બાદ રંજનબેનના નામનું મેન્ડેડ ન આવે તે માટે પક્ષમાં જ અંદરખાને રજુઆતો શરુ થઇ ગઈ હતી. અને આ મામલે પક્ષના નેતાઓ હાલ વિચાર કરીને ઉમેદવાર બદલવાના નિર્ણય પર પહોચ્યા હોવાની વાતો વહેતી થઇ છે.
કુલદીપસિંહ રાઉલજી સાથે કેતન ઈનામદારને કેમ વાંકુ પડ્યું ?
બીજી તરફ વર્ષ 2022માં કેતન ઈનામદાર સામે ચુંટણી લડવા ભાજપ છોડીને કોંગ્રેસમાં ગયેલા કુલદીપસિંહ રાઉલજીએ બાયો ચઢાવી હતી. અને કોંગ્રેસમાં જોડવાની સાથે જ વિધાનસભાની ઉમેદવારી પણ કુલદીપસિંહ લઇ આવ્યા હતા. એક બીજા ઉપર વ્યક્તિગત પ્રહારો કરીને બંને ઉમેદવારોએ તેઓ વચ્ચેની ખાઈ વધુ ઊંડી કરી દીધી હતી. એક સમયના બંને મિત્રોને જાણે બાપે માર્યા વેર થયા હોય તેમ સામસામે શાબ્દિક પ્રહારો કરતા હતા. કુલદીપસિંહ ક્ષત્રીયાવાદ લઈને ચાલ્યા તો કેતન ઈનામદારે પણ ક્ષત્રીય ફેંટો બાંધી દીધો હતો. અંતે વિધાનસભાની ચુંટણીમાં કુલદીપસિંહની હાર થઇ હતી.
થોડા સમય પહેલા જ પક્ષ છોડીને ગયેલા ભાજપના નેતાઓની ઘરવાપસી માટે પ્રદેશ દ્વારા મંત્રણા શરુ થઇ હતી. કુલદીપસિંહ રાઉલજી પણ ખુબ સારા મતો લાવ્યા હતા જેથી ભાજપને પણ તેઓની જરૂર હતી. જેથી કુલદીપસિંહ રાઉલજીને પક્ષમાં સમાવી લેવાની હિલચાલ શરુ થઇ હતી. જોકે તે સમયે પણ કેતન ઈનામદારે વિરોધ વ્યક્ત કરીને રાજીનામું આપી દેવાની ચીમકી ઉચ્ચારી હોવાનું જાણવા મળ્યું છે. જોકે, પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે કેતન ઈનામદારની ચીમકીથી ડર્યા વિના જ કુલદીપસિંહ રાઉલજીને ભાજપમાં આમંત્રિત કર્યા હતા.
કેતન ઈનામદારના રાજીનામાંનું શું કરશે ભાજપ ?
વાત અહીંથી અટકતી નથી, ભાજપ ક્યારેય સત્તા અને શક્તિના કાટલાં ત્રાજવામાં એક તરફ મૂકતું નથી. કોઈ વ્યક્તિ પોતે જ મહાન છે તેવું ન સમજે તે માટે ભાજપ સત્તા અને શક્તિને બેલેન્સ કરીને ચાલે છે. એવામાં લોકસભાના ઉમેદવારોની બીજી યાદી જાહેર થતા જ એક દિવસ પહેલા કુલદીપસિંહ રાઉલજીને ડભોઇ વિધાનસભા વિસ્તારમાં લોકસભાની ચુંટણીમાં મહત્વની જવાબદારી સોંપવામાં આવી હતી.
તારીખ 19 માર્ચ 2024ના રોજ થઇ રહેલી રાજકીય ઉથલપાથલ પાછળ બે મહત્વના કારણો સામે આવ્યા છે. ભારે વિરોધ બાદ રંજનબેન ભટ્ટની ઉમેદવારી માટે ફેરવિચારણા ચાલી રહી હોવાથી કેતન ઈનામદાર ભાજપનું નાક દબાવવા માટે રાજીનામાંનું તરકટ ચારી રહ્યા છે ! અથવા કેતન ઈનામદારના રાજીક્ય પ્રતિધ્વંધી કુલદીપસિંહનું ભાજપમાં કદ વધી રહ્યું છે. અને તેઓને “માપમાં” રાખવાની કરવામાં આવેલી રજુઆતો બાદ પણ ભાજપ તેઓની વાત સાંભળતું નથી, તેથી રાજીનામું ધરી દીધું છે!
મહત્વનું છે કે, વાઘ આવ્યો-વાઘ આવ્યો તેવું દ્રશ્ય વારંવાર રજુ કરતા હવે કેતન ઈનામદારના રાજીનામાંથી પ્રેદેશ ભાજપને કોઈ જજો ફરક પડતો નથી. તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીના સમયકાળમાં બે થી ત્રણ વાર કોઈ ને કોઈ કારણોસર કેતન ઈનામદાર પોતાનું રાજીનામું જાહેર કરી ચુક્યા છે. જેથી આ પ્રેશર ટેકિનકથી પ્રદેશ અને રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ ખુબ સારી રીતે વાકેફ થઇ ગયા છે. હાલ કેતન ઈનામદારને પ્રદેશ કાર્યાલય ખાતે બોલાવવામાં આવ્યા છે. જ્યાં સાંજ સુધીમાં નિર્ણય સામે આવશે. જોકે કેતન ઈનામદાર સાવલી છોડીને ગાંધીનગર જવા નીકળ્યા ત્યારે પણ અંતિમ શબ્દો હતા કે, “રાજીનામાંનો નિર્ણય અડગ રહેશે.”