Vadodara

શંકરાચાર્ય પર ‘અત્યાચાર’ના વિરોધમાં યુથ કોંગ્રેસ-NSUI મેદાને; પોલીસે પ્રમુખ સહિત 7ની અટકાયત કરી

Published

on

વડોદરા: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આયોજિત માઘ મેળામાં જ્યોતિર્પીઠના જગદગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ મહારાજ અને તેમના અનુયાયીઓ સાથે થયેલા કથિત ગેરવર્તણૂક અને અત્યાચારના પડઘા હવે ગુજરાતમાં પણ પડ્યા છે. આજે વડોદરા શહેર યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા ન્યાય મંદિર સ્થિત ભગતસિંહ ચોક ખાતે આક્રમક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

🚨પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ

​વિરોધ પ્રદર્શનની તીવ્રતાને જોતા ક્રાઈમ બ્રાન્ચ, રાવપુરા અને નવાપુરા પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પ્રદર્શનકારીઓએ ભાજપ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા, જેને પગલે સ્થિતિ તંગ બની હતી. પોલીસે કાર્યવાહી કરતા:

  • ​યુથ કોંગ્રેસ પ્રમુખ પવન ગુપ્તા
  • ​NSUI પ્રમુખ અમર વાઘેલા
  • કાર્યકર તીર્થ બ્રહ્મભટ્ટ સહિત કુલ 7 કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી. આ દરમિયાન જાહેર રોડ પર પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ભારે ખેંચતાણના દ્રશ્યો સર્જાયા હતા.

🪷‘ભાજપ હિન્દુત્વના નામે માત્ર રાજનીતિ કરે છે’

​કોંગ્રેસ અને NSUIના નેતાઓએ રાજ્ય અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, “યોગી સરકાર હિન્દુત્વના નામે મતો મેળવે છે, પરંતુ વાસ્તવમાં તે હિન્દુ સંતોનું જ અપમાન કરી રહી છે.” તેમણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે પોલીસ બળનો ઉપયોગ કરીને અવાજ દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે જે લોકશાહી અને ધર્મ બંને વિરુદ્ધ છે.

🧐શું હતો સમગ્ર વિવાદ?

પ્રયાગરાજમાં 18 જાન્યુઆરી, 2026 (રવિવાર) ના રોજ મૌની અમાવસ્યાના પવિત્ર અવસરે આ વિવાદ શરૂ થયો હતો:

  • ઘટના: શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ પાલખીમાં સવાર થઈ સંગમ તટ પર સ્નાન કરવા જઈ રહ્યા હતા.
  • તંત્રની રોકટોક: ઘાટથી માત્ર 50 મીટર દૂર પ્રશાસને તેમને પાલખીમાં આગળ વધતા અટકાવ્યા અને પગપાળા જવાની વિનંતી કરી.
  • ઝપાઝપી: શિષ્યોએ વિરોધ કરતા પોલીસ સાથે ધક્કા-મુક્કી થઈ, જેમાં કેટલાક અનુયાયીઓને ઘસડીને પોલીસ ચોકીમાં લઈ જવાયા.
  • ધરણા: આ અપમાનના વિરોધમાં શંકરાચાર્યએ મેળામાં જ ધરણા શરૂ કર્યા છે. બીજી તરફ, મેળા તંત્રએ તેમને બે નોટિસ ફટકારી છે, જેનાથી સંત સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

🫵હાલમાં શંકરાચાર્યની તબિયત લથડી હોવાના અહેવાલો પણ મળી રહ્યા છે, જેને કારણે આગામી દિવસોમાં આ આંદોલન વધુ ઉગ્ર બને તેવી શક્યતા છે.

Trending

Exit mobile version