ધારાસભ્યનો વળતો પ્રહાર:ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ કહ્યું – “કોંગ્રેસ પાસે લડવા માટે સક્ષમ ઉમેદવારો જ નથી, હાર ભાળી જતાં કરે છે આક્ષેપ.”
વાઘોડિયા: વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગતાની સાથે જ રાજકીય તાપમાન સાતમા આસમાને પહોંચ્યું છે. ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે વાઘોડિયામાં લોકશાહીના પર્વને બદલે ‘રાજકીય જંગ’ના દ્રશ્યો જોવા મળ્યા હતા.
🧐ઉગ્ર ઘર્ષણ અને તું-તું મેં-મેં:
વાઘોડિયા તાલુકા સેવાસદન ખાતે આજે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામસામે આવી ગયા હતા. ફોર્મ ખેંચવાની પ્રક્રિયા દરમિયાન બંને પક્ષો વચ્ચે ઉગ્ર શબ્દયુદ્ધ ખેલાયું હતું. સ્થિતિ એટલી તંગ બની હતી કે ભારે હોબાળો મચતા પોલીસને પણ હસ્તક્ષેપ કરવાની ફરજ પડી હતી.
👉બિનહરીફ બેઠકોથી વિવાદ વકર્યો:
આ હંગામાનું મુખ્ય કારણ જરોદ અને ગુતાલ જિલ્લા પંચાયતની બેઠકો છે. આ બંને બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થતા કોંગ્રેસમાં ભારે અસંતોષ ફેલાયો છે. કોંગ્રેસના જિલ્લા પ્રમુખ નારણભાઈ પટેલે મીડિયા સમક્ષ આક્ષેપ કર્યો હતો કે, ભાજપે સત્તાનો દુરુપયોગ કરી કોંગ્રેસના ઉમેદવારોને ધાક-ધમકી આપી છે અને બળજબરીથી તેમના ફોર્મ પરત ખેંચાવ્યા છે.
❓ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો પલટવાર:
બીજી તરફ વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ આ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે વળતો પ્રહાર કરતા જણાવ્યું કે, “કોંગ્રેસનું સંગઠન તૂટી રહ્યું છે અને તેમની પાસે લડવા માટે યોગ્ય ઉમેદવારો જ નથી. પોતાની નિષ્ફળતા છુપાવવા માટે તેઓ ભાજપ પર ખોટા આક્ષેપો કરી રહ્યા છે.”
🫵ચૂંટણી પહેલા જ વાઘોડિયામાં જે રીતે ગરમાવો જોવા મળ્યો છે, તે જોતા મતદાનના દિવસે જંગ વધુ રસાકસીભર્યો બની રહેશે તે નક્કી છે.