સ્થાનિકોનો વિરોધ:દસ્તાવેજો હોવાના દાવા સાથે રહેવાસીઓ દ્વારા ઉગ્ર દેખાવો અને આક્રોશ.
તંત્રની ચેતવણી:અન્ય દબાણો પણ હવે તંત્રના રડારમાં, આગામી દિવસોમાં વધુ ડિમોલિશનની શક્યતા.
વડોદરા: વડોદરાના યવતેશ્વર કમ્પાઉન્ડ વિસ્તારમાં આજે વહીવટી તંત્ર દ્વારા મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કોર્ટના સ્પષ્ટ આદેશ બાદ જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાની ઉપસ્થિતિમાં તંત્રનો કાફલો JCB મશીનો અને પોલીસ બંદોબસ્ત સાથે કમ્પાઉન્ડમાં ત્રાટક્યો હતો.
🧐મેગા ડિમોલિશનની કામગીરી:
યવતેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટની માલિકીની જમીન પર વર્ષોથી ખડકાયેલા કાચા અને પાકા દબાણોને દૂર કરવાની પ્રક્રિયા તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે. લાંબા સમયથી ચાલી રહેલા વિવાદનો અંત લાવવા માટે કોર્પોરેશન અને જિલ્લા વહીવટી તંત્રે સંયુક્ત રીતે આ કાર્યવાહી હાથ ધરી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં શહેરમાં આવેલા આ પ્રકારના અન્ય ગેરકાયદેસર દબાણો પણ તંત્રના રડારમાં આવશે.
🗣️સ્થાનિકોમાં આક્રોશ:
એક તરફ તંત્ર ડિમોલિશનની કામગીરી કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ સ્થાનિક રહેવાસીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. રહેવાસીઓનો દાવો છે કે “અમને નોટિસ આપી પણ ટાઇમ ન આપ્યો”તેમની પાસે જમીન અને મકાનના જરૂરી દસ્તાવેજો છે, અમે વેરો ભરીએ છે અમારી પાસે પ્રોપર્ટીકાર્ડ પણ છે, છતાં કાર્યવાહી કરવામાં આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પરિસ્થિતિ વણસે નહીં તે માટે ઘટનાસ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
👉ભવિષ્યની સ્થિતિ:
વહીવટી તંત્ર દ્વારા આ ડિમોલિશનને કાયદેસરની કાર્યવાહી ગણાવવામાં આવી રહી છે. યવતેશ્વર કમ્પાઉન્ડમાં શરૂ થયેલી આ કાર્યવાહીએ અન્ય દબાણકર્તાઓમાં ફફડાટ પેદા કર્યો છે. વહીવટી તંત્રના આ કડક વલણને જોતા હવે શહેરમાં દબાણ હટાવો ઝુંબેશ વધુ વેગવાન બને તેવી પૂરેપૂરી શક્યતાઓ જણાઈ રહી છે.