ડ્રિંક એન્ડ ડ્રાઇવનો ગુનો:કાર ચાલક જોર્જમેન જોન એતેપ અને પૌલ પાવલ વિરુદ્ધ પ્રોહીબિશન અને મોટર વાહન અધિનિયમ હેઠળ કાર્યવાહી.
જાગૃત નાગરિકોની સતર્કતા:ભયજનક રીતે કાર હંકારતા નાગરિકોએ વાહન રોકી પોલીસને જાણ કરી હતી.
ડભોઈ/વડોદરા: વડોદરા ગ્રામ્યના ડભોઈ વિસ્તારમાં દારૂબંધીના કાયદાના ધજાગરા ઉડાડતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ડભોઈના મહુડી ભાગોળ વિસ્તારમાં એક લાલ રંગની થાર કાર (નંબર MH-12-XQ-2417) નો ચાલક અત્યંત ગફલતભરી અને ભયજનક રીતે કાર હંકારી રહ્યો હતો. કારમાં વિદેશી યુવકો સવાર હતા અને તેઓ નશાની હાલતમાં હોવાનું જણાઈ આવતાં જાગૃત નાગરિકોએ તાત્કાલિક કારને રોકી પાડી પોલીસને હવાલે કરી હતી.
❓શું છે સમગ્ર મામલો?
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે કારમાં સવાર તમામ 6 વિદેશી વિદ્યાર્થીઓ વાઘોડિયા સ્થિત ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે અને મૂળ પપુઆ ન્યુ ગીનિયા (Papua New Guinea) ના વતની છે. પોલીસે કારની તલાશી લેતા અંદરથી ‘MOUNTS 6000 SUPER STRONG BEER’ ના 500 મિલી ના કુલ 7 બિયરના ટીન મળી આવ્યા હતા, જેની કિંમત અંદાજે 880 રૂપિયા થાય છે. કોઈપણ પ્રકારની પાસ કે પરમિટ વગર આ જથ્થો રાખવામાં આવ્યો હતો.
🚨પોલીસ કાર્યવાહી:
પોલીસે કાર ચલાવી રહેલા જોર્જમેન જોન એતેપ (Georgeman John Atep) વિરુદ્ધ ડ્રિંક એન્ડ ડ્રાઇવ (M.V. Act કલમ 185, 177, 3-181) તેમજ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. આ ઉપરાંત, સાથે રહેલા પૌલ પાવલ સાયમન (Paul Pawil Simon) પાસે બિયરનો જથ્થો મળી આવતા પ્રોહીબિશન એક્ટ કલમ 65(A)(A) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઘટના બાદ યુનિવર્સિટીના કેમ્પસ અને વિદેશી વિદ્યાર્થીઓની પ્રવૃત્તિઓ સામે અનેક સવાલો ઉભા થયા છે.