વાઘોડિયા: ગુજરાતના ‘વિકસિત’ મોડેલના દાવાઓ વચ્ચે વાઘોડિયાની સરકારી હોસ્પિટલની વરવી વાસ્તવિકતા સામે આવી છે. મૂળ કામરોલ ગામના અને વ્યારા ખાતે રહેતા મહેશ રાઠોડ નામના યુવકનું સમયસર સારવાર અને પાયાની સુવિધાઓના અભાવે મોત નિપજતા ભારે આક્રોશ ફેલાયો છે.
🧐પરિવારનો આરોપ – હોસ્પિટલમાં સુવિધા જ નથી:
મૃતક મહેશ રાઠોડને અચાનક તબિયત બગડતા ગંભીર હાલતમાં વાઘોડિયા સરકારી દવાખાને લાવવામાં આવ્યો હતો. પરિવારના જણાવ્યા અનુસાર, હોસ્પિટલમાં ઓક્સિજન, IV સેટ કે સિરીંજ જેવી પ્રાથમિક વસ્તુઓ પણ ઉપલબ્ધ નહોતી. ફરજ પરના ડોકટરોએ દર્દીને સારવાર આપવાને બદલે પરિવારને મેડિકલ સ્ટોર પરથી દવાઓ અને સાધનો મંગાવવા મજબૂર કર્યા હતા. ઓક્સિજન અને તાત્કાલિક સારવારના અભાવે મહેશનું કરુણ મોત નીપજ્યું હતું.
❓તંત્રનો બચાવ કે નિષ્ફળતા?:
બીજી તરફ, મેડિકલ ઓફિસર અમીન કોટડિયાએ સમગ્ર જવાબદારી 108 એમ્બ્યુલન્સ પર ઢોળી દીધી છે. મેડિકલ ઓફિસરે જણાવ્યું કે, “દર્દીને શ્વાસ લેવામાં તકલીફ હતી અને સુગર પણ ડાઉન હતું. સ્થિતિ ગંભીર જણાતા અમે 108 ને કોલ કર્યો હતો, પરંતુ એમ્બ્યુલન્સ સમયસર ન આવતા દર્દીને એસ.એસ.જી હોસ્પિટલ રિફર કરી શકાયા નહીં અને તેમનું મોત થયું.”
🤨શું CHC માત્ર કાગળ પર છે?
સ્થાનિક કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ હોસ્પિટલ પર ધસી આવીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આગેવાનોનો આરોપ છે કે છેલ્લા ત્રણ વર્ષથી આ CHC સેન્ટર માત્ર નામનું જ છે. અહીં ન તો પૂરતા સાધનો છે, ન તો સ્ટાફ, જેના કારણે સામાન્ય જનતાએ પોતાના સ્વજનોને ગુમાવવા પડી રહ્યા છે.
📌[તપાસનો વિષય]
જો CHC માં પ્રાથમિક સુવિધાઓ ન હોય, તો તેને હોસ્પિટલ કહેવી કે ડેથ સેન્ટર?
108 ની રાહ જોતા દર્દીનું મોત થાય ત્યાં સુધી હોસ્પિટલ તંત્ર શું કરતું હતું?
મૃતક મહેશના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જરોદ રેફરલ હોસ્પિટલ ખસેડાયો છે, ત્યારે આ મોત માટે જવાબદાર કોણ – તંત્ર કે વ્યવસ્થા?
વાઘોડિયાની આ ઘટનાએ સાબિત કર્યું છે કે વિકાસના મોટા-મોટા દાવાઓ વચ્ચે સામાન્ય માણસના જીવની કિંમત કંઈ જ નથી. જો સરકારી હોસ્પિટલમાં ઓક્સિજન જ ન મળી શકે, તો ગરીબ દર્દી જાય તો જાય ક્યાં? તંત્રએ હવે આ અંગે ગંભીરતાથી વિચારવાનો સમય આવી ગયો છે.