વડોદરા શહેર નજીક વરણામા પોલીસે ટેમ્પોમાં ચોરખાનું બનાવીને લાવવામાં આવી રહેલો વિદેશી શરાબનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. જયારે બે આરોપીઓની ધરપકડ કરીને 3,93,500 રૂ. નો મુદ્દામાલ કબજે લીધો છે.
બુટલેગરો શરાબના જાત્થાની હેરાફેરી માટે હવે અવનવા કીમિયા અપનાવી રહ્યા છે. સીધે સીધો માલસામાનની જેમ લાવવામાં આવતી શરાબની પેટીઓ પોલીસ ખુબ સરળતાથી પકડી પાડે છે. જેથી પોલીસને ચકમો આપવા માટે વાહનોમાં ચોરખાના બનાવવાનો નવો ટ્રેન્ડ શરુ થયો છે. જે ટ્રેન્ડમાં પણ પોલીસ હવે બુટલેગરો પર ભારે પડી રહી છે.
વરણામા પોલીસ મથકના સ્ટાફને બાતમી મળી હતી કે, ટાટા કંપનીનો બંધ બોડીનો ટેમ્પો ડભોઇ થી કાયાવરોણ થઈને પોર તરફ આવી રહ્યો છે. જેમાં વિદેશી શરાબનો જથ્થો ભરેલો છે. જેથી વરણામા પોલીસે ફાજલપુર ગામ નજીક વાહનચેકિંગ ગોઠવીને બાતમી વાળા ટેમ્પોને રોકીને તપાસ કરી હતી. ટેમ્પો ચાલકની પૂછપરછ કરતા હેમસિંગ જેન્તીભાઈ રાઠવા રહે. છોટાઉદેપુર તેમજ વિક્રમ રાઠવા રહે. છોટાઉદેપુર હોવાની ઓળખ આપી હતી. ટેમ્પો ખોલીને જોતા તેમાં અંદરના ભાગે એક ચોરખાનું મળી આવ્યું હતું. જે ચોરખાનાને વેલ્ડીંગ કરીને બંધ કરવામાં આવ્યું હતું. પોલીસે હથોડી વળે ચોરખાનું તોડતા તેમાંથી વિવિધ બ્રાન્ડની વિદેશી શરાબનો બોટલો મળી આવી હતી. જેને લઈએ પોલીસે ટેમ્પો ચાલક અને કંડકટરની ધરપકડ કરી હતી.
પોલીસે મધ્યપ્રદેશના પીપલિયા ગામેથી શરાબનો જથ્થો ભરી આપનાર કાકાસાહેબ નામના શખ્સને વોન્ટેડ જાહેર કરીને ટેમ્પો તેમજ શરાબનો જથ્થો મળીને 3,93,500 રૂ. નો મુદ્દામાલ કબજે લીધો છે.