ઉચ્ચ અધિકારીઓનું માર્ગદર્શન:પોલીસ કમિશનર અને સ્થાનિક ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી અનડિટેક્ટ અકસ્માત કેસનો સફળ ભેદ ઉકેલાયો.
વડોદરા: વડોદરા શહેર વિસ્તારમાં બનતા અનડિટેક્ટ અકસ્માતના ગુનાઓ શોધી કાઢવા માટે પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર, અધિક પોલીસ કમિશનર ડૉ. સુધીર દેસાઈ, નાયબ પોલીસ કમિશનર ડૉ. જે.એમ. ચાવડા અને મદદનીશ પોલીસ કમિશનર ડી.જે. ચાવડા દ્વારા આપવામાં આવેલી સખત સૂચનાઓ અનુસાર, છાણી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એલ. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ પોલીસે સરાહનીય કામગીરી કરી છે.
🧐શું હતી ઘટના અને કેવી રીતે પકડાયો આરોપી?
ગત દિવસોમાં વડોદરા નજીક દશરથ ગામ પાસે જી.એસ.એફ.સી. યુનિવર્સિટી તરફથી નેશનલ હાઈવે નંબર-48 ક્રોસ કરી રહેલા 55 વર્ષીય પદમલા નિવાસી હનુમાન જાટને પૂરપાટ ઝડપે દોડતી એક અજાણી લાલ રંગની કારના ચાલકે જોરદાર ટક્કર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી, જેના કારણે હનુમાન જાટનું કરુણ મૃ*ત્યુ નીપજ્યું હતું અને કારચાલક વાહન લઈને ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે છાણી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા અને એમ.વી. એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને છાણી પોલીસે ઘટનાસ્થળેથી કારના તૂટેલા ફાઇબરના ટુકડા (સાઇડ ગ્લાસ અને લાઇટના કવર) કબજે કર્યા હતા. આ ઉપરાંત ટેકનિકલ સર્વેલન્સ, આસપાસના સીસીટીવી કેમેરા અને વાસદ ટોલપ્લાઝાના ડેટાનું ઊંડાણપૂર્વક એનાલીસીસ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન એક લાલ રંગની હ્યુન્ડાઈ કંપનીની આઇ-૨૦ કાર (નંબર GJ-06, KP-3421) શંકાસ્પદ જણાઈ હતી, જેના ડાબી બાજુના ભાગે તાજા નુકસાનના ચિહ્નો જોવા મળ્યા હતા.
પોલીસે આ કાર અને ઘટનાસ્થળેથી મળેલા પાર્ટ્સને એફ.એસ.એલ. અધિકારી સમક્ષ રજૂ કરી તપાસ કરાવતા બંને બિલકુલ મેચ થઈ ગયા હતા. જેના આધારે પોલીસે કડક કાર્યવાહી કરીને અકસ્માત સર્જનાર કારચાલક ઇલિયાસ કમરૂદ્દીન કાઝી (રહે. પટેલ વાડીની સામે, નૂરાની મસ્જીદ મહોલ્લો, ગોરવા, વડોદરા શહેર) ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.