વડોદરા:શહેરમાં અખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓ સામે વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે લાલ આંખ કરી છે. ખોડિયારનગર વિસ્તારમાં આવેલી ‘લવ્લી સ્વીટ’ નામની મીઠાઈની ફેક્ટરીમાં ઓચિંતું ચેકિંગ હાથ ધરી ફૂડ વિભાગે અંદાજે 13,200 કિલો (13 ટનથી વધુ) એક્સપાયર્ડ થઈ ગયેલી મીઠાઈનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.
📍તપાસની મુખ્ય વિગતો:
આકસ્મિક દરોડા: આરોગ્ય વિભાગની ટીમ વાસ્તવમાં આ વિસ્તારમાં પાણીપુરીના વિક્રેતાઓને ત્યાં ચેકિંગ માટે ગઈ હતી, પરંતુ શંકાના આધારે લવ્લી સ્વીટમાં તપાસ કરતા આ મોટું કૌભાંડ બહાર આવ્યું હતું.
જપ્ત કરેલો જથ્થો: તપાસ દરમિયાન પેડા, બરફી, લાડુ અને કાજુ કતરી સહિતની વિવિધ મીઠાઈઓ મળી આવી હતી, જેની એક્સપાયરી ડેટ પૂર્ણ થઈ ગઈ હોવા છતાં સંગ્રહ કરવામાં આવ્યો હતો.
અંદાજિત કિંમત: જપ્ત કરાયેલી મીઠાઈની બજાર કિંમત આશરે રૂ. 7.50 લાખ જેટલી આંકવામાં આવી છે.
પરવાના વગરનો સંગ્રહ: વેપારી પાસે આટલો મોટો જથ્થો રાખવા માટે જરૂરી લાઈસન્સ પણ ન હોવાનું સામે આવ્યું છે, જેના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
⚠️જાંબુવા લેન્ડફિલિંગ સાઈટ પર નાશ કરાયો
આરોગ્ય વિભાગે જપ્ત કરેલી 13,200 કિલો મીઠાઈ ત્રણ જેટલા મોટા ટ્રકોમાં ભરીને જાંબુવા લેન્ડફિલિંગ સાઈટ ખાતે લઈ જવામાં આવી હતી. ત્યાં જેસીબીની મદદથી ઊંડો ખાડો ખોદીને તમામ અખાદ્ય મીઠાઈનો સુરક્ષિત રીતે નાશ કરવામાં આવ્યો છે જેથી તે ફરી બજારમાં ન આવી શકે.
🫵અધિકારીનું નિવેદન: “લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર કોઈપણ વેપારીને છોડવામાં આવશે નહીં. લાઈસન્સ વગર અને એક્સપાયર્ડ જથ્થો રાખવા બદલ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.”