Vadodara

વડોદરા: “પાણી નહીં તો વોટ નહીં” અટલાદરાના કોઠી ફળિયામાં પાલિકા સામે આક્રોશ, મહિલાઓએ ઠાલવી વેદના

Published

on

  • પાણી માટે આક્રોશ: અટલાદરાના કોઠી ફળિયામાં દૂષિત પાણીની ગંભીર સમસ્યા; છેલ્લા કેટલાય સમયથી ગંદુ પાણી પીવા મજબૂર બન્યા રહીશો.
  • તંત્રની ઘોર બેદરકારી: અનેકવાર રજૂઆત કરવા છતાં પાલિકાના અધિકારીઓના પેટનું પાણી હલતું નથી; રહીશોનો આક્ષેપ.
  • ચૂંટણી ટાણે લાલ આંખ: “વોટ લેવા આવશો નહીં”, સ્થાનિકોએ ભેગા મળી ચૂંટણી બહિષ્કારની ઉચ્ચારી ચીમકી.
  • બહેનોની પોકાર: દૂષિત પાણીને કારણે બીમારી ફેલાવાની દહેશત; મહિલાઓએ માટલા ફોડી વ્યક્ત કર્યો વિરોધ.

વડોદરા: સ્માર્ટ સિટી વડોદરામાં એક તરફ ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે, ત્યારે બીજી તરફ શહેરના છેવાડે આવેલા અટલાદરા વિસ્તારમાં લોકો પીવાના શુદ્ધ પાણી માટે વલખાં મારી રહ્યા છે. અટલાદરાના કોઠી ફળિયામાં છેલ્લા લાંબા સમયથી પીવાનું પાણી દૂષિત અને દુર્ગંધયુક્ત આવતું હોવાથી સ્થાનિક રહીશોમાં પાલિકા તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

🧐રજૂઆતો ઠેબે ચઢી:

સ્થાનિક રહીશોનું કહેવું છે કે, આ સમસ્યા અંગે વડોદરા મહાનગરપાલિકામાં અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. વોર્ડ કચેરીના ધક્કા ખાઈને લોકો થાક્યા છે, પરંતુ તંત્ર દ્વારા હજુ સુધી કોઈ કાયમી નિકાલ લાવવામાં આવ્યો નથી. ગંદુ પાણી પીવાને કારણે બાળકો અને વૃદ્ધોના સ્વાસ્થ્ય સામે પણ ખતરો ઉભો થયો છે.

🚫ચૂંટણી બહિષ્કારનું શસ્ત્ર:

રાજકીય પક્ષો જ્યારે વોટ માંગવા માટે ઘરે-ઘરે ફરી રહ્યા છે, ત્યારે કોઠી ફળિયાના રહીશોએ એકસૂરે નિર્ણય લીધો છે કે જો પાણીની સમસ્યા નહીં ઉકેલાય તો તેઓ મતદાનનો બહિષ્કાર કરશે. રહીશોએ “પાણી નહીં તો વોટ નહીં” ના બેનરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને નેતાઓને વિસ્તારમાં ન આવવા માટે ચીમકી આપી છે.

🗣️[સ્થાનિકોની વ્યથા]

“અમે કંટાળી ગયા છીએ, નળમાં ગટરનું ગંદુ પાણી આવે છે. રજૂઆત કરીએ છીએ તો કોઈ સાંભળતું નથી. હવે અમે નક્કી કર્યું છે કે જો અમને ચોખ્ખું પાણી નહીં મળે તો અમે કોઈને વોટ આપીશું નહીં.”

“આખું ફળિયું દૂષિત પાણીથી પરેશાન છે. ચૂંટણી સમયે નેતાઓ હાથ જોડીને આવે છે, પણ પછી દેખાતા નથી. આ વખતે અમારો સંદેશ સ્પષ્ટ છે – પહેલા પાણી આપો, પછી વોટની વાત કરો.”

🫵વડોદરાના અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યા વિકરાળ બની રહી છે, ત્યારે અટલાદરાના લોકોનો આ આક્રોશ આગામી ચૂંટણીમાં નેતાઓ માટે ભારે પડી શકે તેમ છે.

Trending

Exit mobile version