સતત પોલીસ અવરજવર ધરાવતા વિસ્તારમાં પણ ચોરીની ઘટના બનતા સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઊભા થયા.
- હાજરી દરમ્યાન પાર્ક કરી રાખી હતી, પરંતુ પરત ફરતા બેટરી ગુમ હોવાનું જાણવા મળ્યું.
- વધુ એક રીક્ષા ચાલકની બેટરી પણ તેજ રીતે ચોરી થઇ, બંને ઘટનાઓ એક જ દિવસે બની.
- કોર્ટ સંકુલમાં સિક્યુરિટી અભાવને કારણે ચોરો માટે પાર્કિંગ વિસ્તાર મોકાનો સ્થળ બન્યો છે.
વડોદરા શહેરના ન્યાય મંદિર સંકુલમાં પાર્ક કરેલી રીક્ષાની બેટરી ચોરાઈ જતા ન્યાયમંદિર સંકુલની સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા થયા છે. બે રીક્ષાની બેટરી એક સાથે ચોરી થતા ગોત્રી પોલીસને જાણ કરીને રીક્ષા ચાલકોએ ચોરીની ફરિયાદ નોંધાવી હતી.
વડોદરા શહેરમાં જ્યાં સતત પોલીસની અવરજવર રહે છે ત્યાં પણ તસ્કરો બેફામ થયા છે. દિવાળીપુરામાં આવેલ ન્યાય મંદિર કોર્ટ સંકુલમાં તારીખ માટે આવેલા રીક્ષા ચાલકોએ પાર્ક કરેલી રીક્ષા માંથી બેટરી ચોરી થઇ જવાની ઘટના સામે આવી છે. જેમાં પોલીસ કંટ્રોલમાં જાણ કરીને ગુન્હો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
બોરસદથી કોર્ટની તારીખ ભરવા માટે ન્યાયમંદિર સંકુલમાં આવેલા લાલજીભાઈ શનાભાઈ ઠાકોરે પોતાની રીક્ષા કોર્ટ સંકુલમાં પાર્ક કરી હતી. અને તરીકમાં હાજરી આપવા માટે કોર્ટમાં ગયા હતા. કોર્ટ કામગીરી પૂર્ણ કરીને તેઓ પરત રીક્ષા પાસે આવ્યા ત્યારે તેઓની રીક્ષાની બેટરી સીટ નીચેથી કાઢીને કોઈ ચોર વ્યક્તિ લઇ ગયો હોવાનું સામે આવ્યંૂ હતું. વધુ એક બનાવમાં પોતાના ભાઈને લઈને કોર્ટની તારીખમાં આવેલા રીક્ષા ચાલકની બેટરી પણ તેજ રીતે ચોરી થઇ ગઈ હતી. કોર્ટ સંકુલમાં પણ અરજદારોના વાહનો સુરક્ષિત નથી.જયારે સિક્યુરીટીના અભાવે તસ્કરો માટે કોર્ટ સંકુલનું પાર્કિંગ મોકાનું સ્થળ થઇ ગયું છે. બંને ઘટના બાદ રીક્ષા ચાલકોએ ગોત્રી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.