વડોદરા:સરકાર અને પોલીસ દ્વારા વારંવાર ચેતવણી આપવા છતાં ‘ડિજિટલ એરેસ્ટ’ની જાળમાં વધુ એક ભોગ બનનારનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના ભૂતડી ઝાપા વિસ્તારમાં રહેતા એક વૃદ્ધાને સાયબર ઠગોએ આતંકવાદી કનેક્શનનો ડર બતાવી તેમની આખી જિંદગીની મૂડી પડાવી લીધી છે.
❓કેવી રીતે શરૂ થઈ ઠગાઈ?
ગત 4 ડિસેમ્બરે મહિલા પર એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ઠગે જણાવ્યું કે, “તમારા આધાર કાર્ડ પર બીજું સિમ કાર્ડ લેવાયું છે અને તેનાથી 39 ગંભીર કેસ થયા છે.” ડરેલી મહિલાને આ વાત સાચી લાગે તે માટે ઠગે કોલ કોલાબા પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કર્યો હતો.
👮નકલી પોલીસ સ્ટેશન અને નકલી પીઆઈ
મહિલાને વીડિયો કોલ કરવામાં આવ્યો હતો, જેમાં સામે છેડે સંદીપ રાવ નામનો શખ્સ પોલીસ યુનિફોર્મમાં હતો. તેની પાછળ પોલીસનો લોગો અને ઓફિસ જેવો જ માહોલ હતો.
📌 તેણે જણાવ્યું કે:
- કેનેરા બેંકમાં મહિલાના નામે ખોટું એકાઉન્ટ ખુલ્યું છે.
- પુરાવા તરીકે વોટ્સએપ પર નકલી સ્ટેટમેન્ટ અને એટીએમ કાર્ડ પણ મોકલ્યા.
- સુપ્રીમ કોર્ટની નકલી નોટિસ મોકલી ડરનો માહોલ ઉભો કર્યો.
“આતંકવાદી સાલેમ સાથે કનેક્શન છે” કહી ‘હોમ એરેસ્ટ’ કર્યા
ઠગોએ હદ વટાવી દેતા મહિલાને જણાવ્યું કે, “મુંબઈના આતંકવાદીએ તમારા ખાતામાં 243 કરોડના ટ્રાન્ઝેક્શન કર્યા છે. આ રાષ્ટ્રીય સુરક્ષાનો મામલો છે એટલે તમને ડિજિટલ હોમ એરેસ્ટ કરવામાં આવે છે.” મહિલા ક્યાં જાય છે, કોને મળે છે તેની પળેપળની વિગત ઠગો મેળવતા હતા અને વિદેશમાં રહેતી તેમની બહેન પણ હેરાન થશે તેવી ધમકીઓ આપતા હતા.
₹1.82 કરોડ ટ્રાન્સફર કર્યા, છેલ્લી FD પર ભાંડો ફૂટ્યો
તપાસના નામે ઠગોએ મહિલાની તમામ બચત અને એફડી (FD) ના નાણાં આરબીઆઈના સુરક્ષિત ખાતામાં ટ્રાન્સફર કરવાનું કહ્યું. મહિલાએ વિશ્વાસમાં આવીને કટકે કટકે રૂ. 1.82 કરોડ ટ્રાન્સફર કરી દીધા. જોકે, જ્યારે ઠગોએ વધુ એક એફડી તોડવા જીદ કરી ત્યારે મહિલાએ ‘લોકિંગ પીરિયડ’ હોવાનું કહી ઇનકાર કર્યો. ઠગોના સતત દબાણને લીધે મહિલાએ તેના ભાઈને વાત કરી અને અંતે સમગ્ર છેતરપિંડીનો પર્દાફાશ થયો.
વડોદરા સાયબર સેલે આ મામલે ગુનો નોંધી, નાણાં જે બેંક ખાતાઓમાં ટ્રાન્સફર થયા છે તેના આધારે તપાસ તેજ કરી છે.
🫵યાદ રાખો:
- પોલીસ કે કોઈ પણ સરકારી એજન્સી વીડિયો કોલ પર કોઈની ધરપકડ કરતી નથી.
- ક્યારેય પણ ફોન પર નાણાં ટ્રાન્સફર કરવાની માગણી કરવામાં આવતી નથી.
- જો તમારી સાથે આવું થાય, તો તુરંત 1930 પર કોલ કરો અથવા સાયબર પોલીસનો સંપર્ક કરો.