આંદોલનની ચીમકી: જો સમસ્યા નહીં ઉકેલાય તો કરચિયાના ગ્રામજનો કરશે ઉગ્ર આંદોલન.
વડોદરા શહેરની નજીક આવેલા કરચિયા ગામમાં ટ્રાફિકની સમસ્યા હવે માથાના દુખાવા સમાન બની છે. રેલવે ફાટક નંબર 241 પર કલાકો સુધી ટ્રાફિક જામ સર્જાતા આજે ગ્રામજનોની ધીરજ ખૂટી હતી. અગાઉ તંત્ર દ્વારા અપાયેલા લેખિત આશ્વાસનો માત્ર કાગળ પર જ રહી જતા આજે ગ્રામજનોએ એકઠા થઈને તંત્ર સામે ભારે વિરોધ નોંધાવ્યો છે.
વડોદરાનું કરચિયા ગામ અત્યારે ટ્રાફિકના ચક્રવ્યૂહમાં ફસાયું છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે તેમ, વાહનોની લાંબી કતારો અને કલાકો સુધી બંધ રહેતું ફાટક હવે લોકો માટે મુસીબત બની ગયું છે.
📍મુખ્ય મુશ્કેલીઓ:
પરીક્ષાર્થીઓ પરેશાન: બોર્ડની પરીક્ષા ચાલી રહી છે ત્યારે વિદ્યાર્થીઓ સમયસર સેન્ટર પર પહોંચી શકતા નથી.
નોકરિયાત અને ખેડૂતો: દૂધ ભરવા જતા ખેડૂતો અને ઓફિસે જતા લોકોનો કિંમતી સમય વેડફાઈ રહ્યો છે.
ડાયવર્ઝનનો માર: રણોલી બ્રિજ બંધ હોવાથી અને મીની નદી પર કામ ચાલતું હોવાથી તમામ ભારે વાહનો અહીં ડાયવર્ટ કરાયા છે, જેનાથી સ્થિતિ વધુ ગંભીર બની છે.
❓શું હતા વચનો?
અગાઉ પંચાયત, રેલવે અધિકારી અને DM અધિકારીઓ વચ્ચે થયેલી બેઠકમાં નક્કી થયું હતું કે:
દર 20-25 મિનિટે ફાટક ખોલવામાં આવશે.
ગરનાળાનું નિયમિત ડીવોટરિંગ અને સાફ-સફાઈ કરવામાં આવશે. પરંતુ વાસ્તવિકતા એ છે કે ફાટક 1 થી સવા કલાક સુધી બંધ રહે છે અને સફાઈના નામે શૂન્ય કામગીરી છે.
🧐ગ્રામજનોનો અવાજ
“અમે લેખિત સંમતિ લીધી હતી, બાજવા અને કરચિયાના સરપંચ-તલાટી પણ હાજર હતા. છતાં નિયમોનું પાલન થતું નથી. જો વહેલી તકે ફાટક વ્યવસ્થા નહીં સુધરે, તો અમે તમામ ગ્રામજનો ભેગા મળીને ઉગ્ર આંદોલન કરીશું અને રસ્તા રોકીશું.”
🫵હાલ તો કરચિયાના ગ્રામજનોએ તંત્રને છેલ્લી ચેતવણી આપી દીધી છે. હવે જોવાનું એ રહે છે કે રેલવે વિભાગ અને સ્થાનિક પ્રશાસન આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવે છે કે પછી જનતાને આંદોલનનો માર્ગ અપનાવવો પડશે.