Vadodara

કારેલીબાગના વિઝા કન્સલટન્ટે ફેરવ્યું ફુલેકું: કેનેડાની વર્ક પરમિટના નામે 18 યુવકો પાસેથી રૂ. 2.31 કરોડ પડાવી ઠગાઈ

Published

on

  • કરોડોની ઠગાઈ: કેનેડા વર્ક પરમિટના નામે 18 યુવકો પાસેથી રૂ. 2.31 કરોડ પડાવી લેવામાં આવ્યા.
  • બોગસ લેટર અને ચેક બાઉન્સ: આરોપી અતીત બારોટે નકલી ઓફર લેટર આપ્યા બાદ પરત આપેલા નાણાંનો ચેક પણ બાઉન્સ થયો.
  • અન્ય શહેરોના યુવાનો ભોગ બન્યા: વડોદરા ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, ભરૂચ અને અંકલેશ્વરના યુવકો પણ છેતરપિંડીનો શિકાર બન્યા છે.
  • પોલીસ તપાસ જારી: કારેલીબાગ પોલીસે ગુનો નોંધી ફરાર આરોપી સંચાલકને ઝડપી પાડવા માટે સઘન તપાસ શરૂ કરી છે.

વડોદરા: વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા વિઝા કન્સલટન્સીના સંચાલકે કેનેડામાં વર્ક પરમિટ અપાવવાના બહાને 18 જેટલા યુવકો સાથે આચરવામાં આવેલી રૂ. 2.31 કરોડની તોતિંગ ઠગાઈનો પર્દાફાશ થયો છે. નકલી ઓફર લેટર આપીને યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં કરનાર આરોપી વિરુદ્ધ કારેલીબાગ પોલીસે ગુનો નોંધીને તેની સઘન શોધખોળ હાથ ધરી છે.

શું છે સમગ્ર પ્રકરણ?

કારેલીબાગની આદિનાથ સોસાયટી પાસે શ્રીનાથજી હાઇટ્સમાં રહેતા અને ખાનગી કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતા ધવલભાઈ ગઢિયાએ પોલીસ સમક્ષ નોંધાવેલી વિગતો મુજબ, ફેબ્રુઆરી 2024 માં તેમને કેનેડા જવું હોય જેથી તેમણે કારેલીબાગની શ્રીપાદ નગર સોસાયટીમાં ‘અક્ષર ફોરેન એજ્યુકેશન’ નામની એજન્સી ચલાવતા અતીત જીતેન્દ્રભાઈ બારોટનો સંપર્ક કર્યો હતો.

આરોપી અતીત બારોટે ધવલભાઈને રૂ. 17 લાખમાં કેનેડાની વર્ક પરમિટ અપાવવાની ખાતરી આપી હતી અને રૂ. 300 ના સ્ટેમ્પ પેપર પર લખાણ પણ કરી આપ્યું હતું. નક્કી થયા મુજબ શરૂઆતમાં અડધી રકમ આપવાની હતી અને બાકીના નાણાં કેનેડા પહોંચ્યા બાદ હપ્તાથી ચૂકવવાના હતા. 11 મહિનામાં વિઝા મળી જશે તેવું આશ્વાસન અપાયું હતું, પરંતુ સમય વીતવા છતાં વિઝા ન મળતા અને એજન્સી દ્વારા આપવામાં આવેલો કેનેડાની કંપનીનો લેટર બોગસ હોવાનું બહાર આવતા ભારે હડકંપ મચી ગયો હતો.

🧐અન્ય શહેરોના યુવાનો પણ ફસાયા:

ધવલભાઈએ પોતાના નાણાં પરત મેળવતા રૂ. 7.80 લાખનો ચેક આપ્યો હતો, જે પાછળથી બાઉન્સ થઈ ગયો હતો. તપાસ કરતા બહાર આવ્યું કે માત્ર વડોદરા જ નહીં, પરંતુ અમદાવાદ, ગાંધીનગર, ભરૂચ, અંકલેશ્વર અને મહેમદાવાદ સહિતના વિવિધ શહેરોના બીજા 17 યુવાનો પણ આ જ રીતે આ ઠગના જાળમાં ફસાયા છે અને કુલ રૂ. 2.31 કરોડની મસમોટી રકમ પડાવી લેવામાં આવી છે.

​ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કારેલીબાગ પોલીસ સ્ટેશનના પીઆઈ કે.એ. ચૌધરીએ ગુનો નોંધી આરોપી અતીત બારોટની કારેલીબાગ સ્થિત ઓફિસ તેમજ સમા-સાવલી રોડ પર આવેલા લીલેરીયા એપાર્ટમેન્ટના મકાન પર રેડ કરી હતી, પરંતુ હાલ આરોપી પકડથી દૂર ફરાર હોવાથી પોલીસે તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Trending

Exit mobile version