Karjan-Shinor

કરોડોના ખર્ચે બનેલો NH-48 નો ઓવરબ્રિજ ઉદ્ઘાટન પહેલાં જ વિવાદમાં: બ્રિજ પર ખાડા પડતા નિર્માણકાર્ય સામે ગંભીર સવાલો

Published

on

  • બ્રિજની ગુણવત્તા પર સવાલ: કંડારી પાસે કરોડોના ખર્ચે બનેલા ઓવરબ્રિજ પર ઉદ્ઘાટન પહેલા જ ખાડા પડી જતા ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે.
  • સૌસૌથી મોટી લાપરવાહી: સર્વિસ રોડ પર સ્પીડ બ્રેકર અને વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાનો અભાવ જોવા મળ્યો છે
  • મીડિયા સાથે ગેરવર્તણૂક: કવરેજ કરવા ગયેલા મીડિયાકર્મીઓ સાથે એજન્સીના સુપરવાઇઝરે અભદ્ર વર્તન કર્યું હોવાનો ગંભીર આક્ષેપ છે.
  • નિષ્પક્ષ તપાસની માંગ: અકસ્માતપ્રવણ વિસ્તારમાં બનેલા આ બ્રિજની ગુણવત્તાની ઉચ્ચ સ્તરીય તપાસ કરી કડક કાર્યવાહી કરવા લોક માંગ ઉઠી છે.

કરજણ/વડોદરા: રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. 48 પર કંડારી ગામ પાસે કરોડો રૂપિયાના જંગી ખર્ચે નિર્માણ પામેલો નવો ઓવરબ્રિજ લોકાર્પણ કે ઉદ્ઘાટન થાય તે પહેલાં જ ભારે વિવાદ અને ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. બ્રિજની ઉપર અને આસપાસના માર્ગો પર પડેલા ખાડાઓને લઈને સ્થાનિક રહીશો અને વાહનચાલકોએ આ બ્રિજના બાંધકામની ગુણવત્તા સામે અત્યંત ગંભીર સવાલો ઉઠાવ્યા છે.

શું છે સમગ્ર વિવાદ?

સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ બ્રિજનું નિર્માણ કાર્ય પૂર્ણ થયાના માંડ થોડા જ સમયમાં રસ્તા પર મસમોટા ખાડાઓ પડવાનું શરૂ થઈ ગયું છે. આ ઉપરાંત, સર્વિસ રોડ પર યોગ્ય સ્પીડ બ્રેકર ન હોવાને કારણે અને વરસાદી પાણીના નિકાલ માટેની કોઈ જ પૂરતી વ્યવસ્થા ન કરાઈ હોવાના પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.

🧐ઉતાવળમાં લીંપણ અને મીડિયાકર્મીઓ સાથે ગેરવર્તણૂક:

સ્થાનિકોનો દાવો છે કે જ્યારે આ નબળી કામગીરીનો મામલો મીડિયામાં સામે આવ્યો, ત્યારે સંબંધિત એજન્સી દ્વારા પોત પ્રકાશ છુપાવવા માટે ઉતાવળમાં માત્ર ખાડા પૂરવાના કામો હાથ ધરવામાં આવ્યા હતા. એટલું જ નહીં, આ સમગ્ર માર્ગ અને બ્રિજની સ્થિતિનું કવરેજ કરવા પહોંચેલા મીડિયાકર્મીઓ સાથે એજન્સીના સુપરવાઇઝરે ઉદ્ધતાઈપૂર્વક અને અભદ્ર વર્તન કર્યું હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે, જેના કારણે પત્રકાર આખામાં પણ રોષ વ્યાપી ગયો છે.

🗣️તંત્ર સમક્ષ નિષ્પક્ષ તપાસની માંગ:

ઉલ્લેખનીય છે કે કંડારી ક્રોસિંગ વિસ્તાર અગાઉથી જ એક અત્યંત અકસ્માતપ્રવણ (બ્લેક સ્પોટ) તરીકે ઓળખાતો હતો. પ્રજાની સલામતી અને સુરક્ષા માટે જ સરકાર દ્વારા આ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે, પરંતુ તેની નબળી ગુણવત્તા જોઈને નાગરિકોમાં ડરનો માહોલ છે. લોકોએ માંગ કરી છે કે આ સમગ્ર પ્રોજેક્ટની ઉચ્ચ સ્તરીય અને નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને જો તેમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ કે ભ્રષ્ટાચાર સાબિત થાય, તો જવાબદાર એજન્સી અને અધિકારીઓ સામે કડકથી કડક પગલાં લેવામાં આવે.

Trending

Exit mobile version