વડોદરા શહેરમાં ચોરીની મોટરસાયકલ તેમજ મોપેડના કેસોને શોધી કાઢવા માટે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વાહન ચેકીંગ હાથ ધરવામાં આવે છે. જેમાં એક એક્ટિવા મપપેડ ચાલકને રોકીને પૂછપરછ કરતા તેનું એક્ટિવા ચોરીનું હોવાનું સામે આવ્યું હતું. એટલું જ નહીં જે વ્યક્તિના ઘરેથી એક્ટિવા ચોરી કરી હતી એ વ્યક્તિ તેના મામા જ હતા. અને મામમાં દીકરાનું એક્ટિવા બીજી ચાવીથી ચોરી કરી હોવાનું કબૂલાત કરી હતી.
ક્રાઇમ બ્રાન્ચની ટિમ શહેરના ફર્ટિલાઈઝર બાયપાસ પાસે વાહન ચેકીંગ કરી રહી હતી ત્યારે એક એક્ટિવા ચાલક ત્યાંથી પસાર થતા પોલીસે તેને રોકીને વાહનના ડોક્યુમેન્ટ માંગ્યા હતા. જોકે એક્ટિવા ચાલક પાસે વાહનના કોઈ દસ્તાવેજો નહીં મળતા પોલીસે તેની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી હતી.
એક્ટિવા ચાલક ઉજ્જવલ સુનિલભાઈ રાણા, રહે. રાધેશ્યામ રેસિડેન્સી,માંજલપુરની પુછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે આ એક્ટિવા તેના મામાના દીકરાના ઘરેથી ચોરી કરી છે. 21 ઓક્ટોબરના રોજ વાડી શાસ્ત્રીબાગ પાસે રહેતા મામાના દીકરાના ઘરે ઉજ્જવલ ગયો હતો. અને દિવસ દરમિયાન કામ અર્થે એક્ટિવા લઈને નીકળ્યો હતો. એક્ટિવની ડેકીમાં તેની બીજી ચાવી મુકેલી જોઈને ઉજ્જવલ રાણાએ બીજી ચાવી કાઢી લીધી હતી અને ચાલાકીથી એક્ટિવા પોતાના મામા દીકરાના ઘરે મૂકીને ચાલ્યો ગયો હતો.
ત્યાર બાદ બે કલાક પછી પરત આવીને બીજી ચાવીથી એક્ટિવા ચોરી અને પલાયન થઈ ગયો હતો. ક્રાઇમ બ્રાન્ચે ઉજ્જવલ રાણા ની ધરપકડ કરીને ચોરીની એક્ટિવા કબ્જે લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મામાના દીકરાના ઘરે જ ભણીયાએ હાથફેરો કર્યો હોવાનો કિસ્સો અહીં પ્રકાશમાં આવ્યો હતો.