વડોદરા પોલીસને સાયબર ક્રાઈમ અને ગેરકાયદેસર ગેમિંગ વ્યવહારો મામલે મોટી સફળતા મળી છે. પોલીસે આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર એજાજ ફિરોઝમિયા અરબની ધરપકડ કરી છે. આરોપીએ બનાવટી કંપનીઓના નામે બેંક ખાતા ખોલાવી કરોડોના શંકાસ્પદ વ્યવહારો કર્યા હોવાનું બહાર આવ્યું છે.
વડોદરામાં સાયબર ફ્રોડ અને ગેરકાયદેસર ઓનલાઈન ગેમિંગના વ્યવહારો સામે પોલીસે લાલ આંખ કરી છે. શહેર પોલીસના હાથે ઝડપાયેલ એજાજ અરબ પાસેથી તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે. પોલીસે તેની પાસેથી:
23 બેંક પાસબુક
26 ડેબિટ કાર્ડ
10 ચેકબુક
5 સિમકાર્ડ અને રબર સ્ટેમ્પ સહિતના દસ્તાવેજો જપ્ત કર્યા છે.
🧐કેવી રીતે ચાલતું હતું કૌભાંડ?
તપાસમાં ખુલાસો થયો છે કે એજાજે “અધી એસ બેગ” નામની એક બોગસ ફર્મ ઉભી કરી હતી. તે પોતે આ ફર્મનો માલિક બની બેંકોમાં ખાતા ખોલાવતો હતો. એટલું જ નહીં, એજાજ અને તેના સાથીદારો – નાહીદ બંજારા, અજહર લાકડાવાલા અને ફરહાન પટેલ – ઓછી જાણકારી ધરાવતા નિર્દોષ લોકોને પૈસાની લાલચ આપી તેમના નામે પણ બેંક ખાતા ખોલાવતા હતા.
💱ગેરકાયદેસર ટ્રાન્ઝેક્શન અને આંતરરાષ્ટ્રીય કનેક્શન?
આરોપીઓ છેલ્લા એક વર્ષથી આ કૌભાંડ ચલાવી રહ્યા હતા. તેઓ આ બેંક ખાતાની કીટો (ATM અને સિમ કાર્ડ) અનીશ કાની નામના શખ્સ દ્વારા ગેરકાયદેસર ટ્રાન્ઝેક્શન માટે મોકલતા હતા. પોલીસના જણાવ્યા મુજબ, આ ગેંગ પકડાય નહીં તે માટે ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપ કોલ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરતી હતી.
👮હાલ તો પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. આ રેકેટના તાર અન્ય કયા મોટા માથાઓ સાથે જોડાયેલા છે અને કુલ કેટલા કરોડના વ્યવહારો થયા છે, તે દિશામાં વડોદરા પોલીસ વધુ તપાસ કરી રહી છે.