Vadodara

વડોદરામાં ગઠિયાઓનો આતંક, ‘મફત કપડાં-બિસ્કિટ’ની લાલચ આપી વૃદ્ધાની સોનાની બંગડીઓ સેરવી લીધી

Published

on

  1. મંગળ બજારમાં વૃદ્ધા સાથે છેતરપિંડી, મફત કપડાંની લાલચ આપી ગઠિયાઓ સોનાની બંગડીઓ લઈ ફરાર.
  2. લહેરીપુરા ચોકી પાસે જ 65 વર્ષીય વૃદ્ધાને ભોળવી દાગીના સેરવી લીધા.
  3. સાવધાન! વડોદરામાં ‘મફત’ની લાલચ આપી સોનાના દાગીનાની લૂંટ કરતી ગેંગ સક્રિય, વાડી પોલીસ તપાસમાં.

વડોદરા શહેરમાં ફરી એકવાર રીઢા ગઠિયાઓ સક્રિય થયા છે. શહેરના હાર્દ સમાન અને સતત ટ્રાફિકથી ધમધમતા ન્યાય મંદિર વિસ્તારમાં એક વૃદ્ધાને લાલચ આપી સોનાની બંગડીઓ કઢાવી લેવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. ધોળા દિવસે બનેલી આ ઘટનાને પગલે વેપારીઓ અને ગ્રાહકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

વડોદરા: સંસ્કારી નગરીના ન્યાય મંદિર પાસે આવેલી લહેરીપુરા પોલીસ ચોકી વિસ્તારમાં આજે છેતરપિંડીનો એક અજીબોગરીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. 65 વર્ષીય વૃદ્ધા ધનુબેન ઓડ, જેઓ ઘર માટે કટલરીનો સામાન ખરીદવા મંગળ બજાર આવ્યા હતા, તેમને બે ગઠિયાઓએ પોતાની જાળમાં ફસાવ્યા હતા.

🧐લાલચ આપી છેતરપિંડી:

ગઠિયાઓએ વૃદ્ધાનો વિશ્વાસ જીતવા માટે એવી લાલચ આપી હતી કે, “માતાજી, આગળ મફતમાં બિસ્કિટ અને કપડાં વહેંચાઈ રહ્યા છે.” મફત વસ્તુઓની લાલચમાં આવી ગયેલા ધનુબેન કંઈ સમજે તે પહેલાં જ આ ચાલાક ગઠિયાઓએ વાતોમાં ભોળવી તેમની સોનાની બંગડીઓ ઉતરાવી લીધી હતી અને જોતજોતામાં ત્યાંથી રફુચક્કર થઈ ગયા હતા.

🚨પોલીસ કાર્યવાહી:

પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતા જ વૃદ્ધાએ બૂમાબૂમ કરી હતી, જેને પગલે વાડી પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે વૃદ્ધાની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગઠિયાઓને ઝડપી પાડવા માટે પોલીસે લહેરીપુરા અને મંગળ બજાર વિસ્તારના સીસીટીવી (CCTV) ફૂટેજ તપાસવાની કામગીરી શરૂ કરી છે.

ધનુબેન ઓડ (ભોગ બનનાર)

“હું તો સામાન લેવા આવી હતી, ત્યાં બે માણસો આવ્યા ને કહેવા લાગ્યા કે આગળ મફત બિસ્કિટ ને કપડાં આપે છે. મને વિશ્વાસમાં લઈને મારી બંગડીઓ કઢાવી લીધી ને પછી ખબર પડી કે એ તો ભાગી ગયા. પોલીસને વિનંતી છે કે મારા દાગીના પાછા અપાવે.”

Trending

Exit mobile version