વડોદરાના શાસ્ત્રી બ્રિજ પાસે આવેલા રામબાગ મેદાનમાં આજે સવારથી જ ઉત્સાહનો માહોલ છે. બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA) ના વર્ષ 2026-29 ના શાસન માટે આજે ‘રિવાઇવલ’ અને ‘રોયલ સત્યમેવ જયતે’ જૂથ વચ્ચે સીધી ટક્કર જામી છે.
કુલ 2063 સભ્યો ધરાવતી આ સંસ્થામાં આજે સવારથી જ સભ્યોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. બપોરે અઢી વાગ્યા સુધીમાં 1257થી વધુ મતો એટલે કે આશરે 60% થી વધુ મતદાન નોંધાયું છે, જે સંસ્થાના સભ્યોની જાગૃતિ અને સક્રિયતા દર્શાવે છે.
આ ચૂંટણીમાં પૂર્વ દિગ્ગજ ક્રિકેટરો કિરણ મોરે, નયન મોંગીયા, અતુલ બેદાડે અને કોનર વિલિયમ્સ સહિતના ખેલાડીઓએ લાઈનમાં ઊભા રહીને મતદાન કર્યું હતું. આ સાથે જ વડોદરાના રાજવી પરિવારના સભ્યો મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ, મહારાણી શુભાંગીની દેવી ગાયકવાડ અને ચિરાયુ અમીને પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
🧐શું કહ્યું દિગ્ગજોએ?
☑️મહારાણી શુભાંગીની દેવી ગાયકવાડ: “વડોદરાના લોકોએ એ યાદ રાખવું જોઈએ કે છેલ્લા 50 વર્ષમાં કોણે ખરેખર ક્રિકેટના હિતમાં કામ કર્યું છે અને સ્તરને ઊંચાઈએ પહોંચાડ્યું છે.”
☑️કિરણ મોરે (પ્રમુખ પદના ઉમેદવાર, રિવાઇવલ જૂથ): “અમે કરેલા વિકાસલક્ષી કામો સભ્યો જાણે છે. અમારો ઉદ્દેશ્ય સભ્યોનો વિશ્વાસ જીતવાનો છે.”
ચૂંટણી અધિકારી આઈ.આઈ. પંડ્યાના જણાવ્યા મુજબ, મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સાંજે છ વાગ્યે મતપેટીઓને સીલ કરી દેવામાં આવશે. આ મતપેટીઓને ફતેગંજ સ્થિત હિલ મેમોરિયલ શાળાના સ્ટ્રોંગ રૂમમાં કડક સુરક્ષા વચ્ચે રાખવામાં આવશે, જ્યાં સામાન્ય રીતે ઈવીએમ મશીનો રાખવામાં આવે છે.
નોંધનીય છે કે, મતદાન પૂર્ણ થવા છતાં આજે પરિણામ જાહેર કરવામાં આવશે નહીં. સભ્ય રમેશચંદ્ર દ્વારા કેટલાક ઉમેદવારોની લાયકાત અંગે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે. હવે હાઇકોર્ટના આગામી આદેશ બાદ જ મતગણતરી હાથ ધરવામાં આવશે.
વડોદરા ક્રિકેટના આ ભવિષ્યનો ફેંસલો હવે સીલ થયેલી મતપેટીઓમાં કેદ છે.