પરિવારનો આક્ષેપ છે કે કંપનીના કર્મચારીોએ સારવાર કે એમ્બ્યુલન્સ બોલાવવાના જગ્યાએ તેમને માત્ર ચા, પાણી અને સફરજન આપી સમય ગુમાવ્યો.
- મૃતકની દીકરી જીનલ ગોઠવાલે આરોપ મુક્યો કે કંપનીએ તેમના પિતાનું ‘મર્ડર’ કર્યું છે કારણ કે સમયસર લાગતું પગલું ભરાયું નહીં.
- પરિવારના લોકો જણાવે છે કે જયદીપભાઈએ પોતાની સ્થિતિ ખરાબ જણાવી પોતાના મિત્રને પણ ફોન કર્યો, પણ કંપનીના કર્મીઓ એમ્બ્યુલન્સ બોલાવતા મોડું કર્યું.
- મૃતકના મિત્ર સોનુઠાકુરે જણાવ્યું કે દોઢ કલાક વિલંબ થયો એટલે જે મોતનું મુખ્ય કારણ બન્યુ.
વડોદરા નજીક આવેલી એબીપી ઇન્ડક્શન કંપનીમાં બનેલી ઘટનાએ માનવતાને શરમસાર કરી દીધી છે. શાહ ટ્રાવેલ્સના ડ્રાઈવર જયદીપ ચિરંજીલાલ ગોઠવાલને ફરજ પર હોય વખતે અચાનક ચક્કર આવી હાર્ટ એટેક આવ્યો હતો. પરિવારના આક્ષેપ મુજબ, કંપની તરફથી સમયસર તબીબી સારવાર ન મળતાં તેમનું મોત થયું હતું. હવે, ઘટનાને સવા મહિના બાદ પણ કોઈ ન્યાય કે મદદ ન મળતાં પરિવાર વડોદરા SP કચેરીએ પહોંચી જવાબદારી નક્કી કરવાની માંગ કરી રહ્યો છે.
CCTV ફૂટેજમાં જોવા મળે છે કે જયદીપભાઈ ચાલતા ચાલતા અચાનક પટકાઈ જાય છે. ત્યારબાદ કેટલાક કર્મચારીઓએ તેમને રૂમમાં લઈ જઈ ચા અને પાણી આપ્યું હતું. પરંતુ પરિવારનો દાવો છે કે, તે સમયે તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવવી જરૂરી હતી, પરંતુ સારવારના બદલે સમય બગાડવામાં આવ્યો.
મૃતકની દીકરી જીનલ ગોઠવાલે રડતાની વચ્ચે જણાવ્યું: “એમણે કંઈ જ કર્યું નથી. અમારી સાથે ન્યાય થયો નથી. એમણે સફરજન ખવડાવ્યું અને પાણી પીવડાવ્યું – શુ તે દવા છે? એબીપી કંપનીને સીલ મારવી જોઈએ. એમણે મારા પપ્પાની હત્યા કરી. અમે ત્રણ બહેનો બાપ વગરની થઈ ગઈ છીએ. અમને ન્યાય જોઈએ.”
મૃતકના મિત્ર સોનુ ઠાકુરે પણ ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું કે, જયદીપે પોતે ફોન કરીને કહ્યું હતું કે તેને ચક્કર આવ્યા છે, છતાં કંપનીએ 108 એમ્બ્યુલન્સ બોલાવી નહોતી. તે વડોદરાથી તાત્કાલિક મંજુસર પહોંચ્યો હતો, પરંતુ ત્યાં સુધી મોડું થઈ ગયું હતું.
તેમણે જણાવ્યા મુજબ, એમ્બ્યુલન્સ બોલાવવામાં લગભગ દોઢ કલાકનો વિલંબ થયો, જે મિત્રના મોતનું મુખ્ય કારણ છે.મૃતકની પત્ની મનિષા ગોઠવાલે જણાવ્યું કે, “મારા પતિને સાંજે સાડા ચાર વાગ્યે ચક્કર આવ્યા હતા. તેમને દોઢ કલાક સુધી કંપનીમાં જ રાખ્યા.
જો સમયસર હોસ્પિટલ લઈ ગયા હોત, તો તેઓ આજે જીવતા હોત.” પરિવારનો આક્ષેપ છે કે જયદીપ કંપનીમાં નિયમિત ફરજ બજાવતા હતા, છતાં હવે કંપની જવાબદારી લેતા ઇન્કાર કરી રહી છે.દુખની વાત એ છે કે જયદીપ પરિવારના એકમાત્ર કમાઉ સભ્ય હતા અને હવે તેમની પત્ની અને ત્રણ દીકરીઓ ન્યાય માટે દોડધામ કરી રહ્યા છે. તેઓએ માંગ કરી છે કે કંપનીના જવાબદાર અધિકારીઓ સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે અને યોગ્ય વળતર આપવામાં આવે.
બીજી તરફ, એબીપી ઇન્ડક્શન કંપનીના મેનેજર ગૌતમ મહેતાએ જણાવ્યું કે જયદીપભાઈ તેમની કંપનીના કર્મચારી ન હોવાથી તેઓને કોઈ પ્રકારની સહાય પૂરી પાડી શકાય તેમ નથી. ઉપરાંત, તેમનું મૃત્યુ કુદરતી રીતે થયું હોવાથી કંપનીની કોઇ પોલિસી લાગુ પડતી નથી, એટલે કોઈ વળતર અથવા સહાય શક્ય નથી.