ગેસ કટર અને ગ્રાઈન્ડરનો ઉપયોગ:કારમાં ફસાયેલા મૃતદેહોને બહાર કાઢવા માટે સ્થાનિકો અને પોલીસ દ્વારા ભારે જહેમત લેવાઈ.
હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ:મૃતકોના પરિવાજનોને જાણ કરી પંચનામું કરી શબઘરમાં મૃતદેહોને રખાયા છે.
વડોદરા/બદનાવર: મધ્યપ્રદેશના બદનાવર-ઉજ્જૈન ફોરલેન પર ગ્રામ પંચકવાસા પાસે રવિવારે બપોરે સર્જાયેલા એક અત્યંત ભયાનક માર્ગ અકસ્માતમાં વડોદરા શહેરના 6 યુવકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આ તમામ યુવકો ઉજ્જૈન ખાતે મહાકાલના દર્શન કરીને પોતાની ઇકો વાન મારફતે ગુજરાત પરત ફરી રહ્યા હતા, ત્યારે રોંગ સાઈડથી આવતા ટ્રકે તેમને અડફેટે લીધા હતા.
❓શું હતી દુર્ઘટનાની વિગતો?
પ્રાપ્ત માહિતી અનુસાર, રવિવારે બપોરે આશરે 1 વાગ્યાના અરસામાં બદનાવર-ઉજ્જૈન ફોરલેન પર પંચકવાસા પાસે લોખંડનો સામાન ભરેલો એક ટ્રક (નંબર GJ 39 DB 9248) રોંગ સાઈડથી ઉજ્જૈન તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન ઉજ્જૈનથી ગુજરાત તરફ જઈ રહેલી મારુતિ ઇકો વાન (નંબર GJ 17 CK 6134) સાથે આ ટ્રકની સામસામે જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે ઇકો વાનના ફુરચા ઉડી ગયા હતા અને વાનમાં સવાર તમામ 6 યુવકો અંદર જ ફસાયા હતા. બે મૃતદેહોને બહાર કાઢવા માટે ગ્રાઈન્ડરનો સહારો લેવો પડ્યો હતો.
🚨તંત્રની દોડધામ અને પરિવારજનોને જાણ:
ભયાનક અકસ્માતના પગલે રસ્તા પર ટ્રાફિકજામ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા જ બદનાવરના ટીઆઈ અમિત સિંહ કુશવાહ, સુરેશ નાગર અને એસડીએમ પ્રિયંકા મિમરોદ પોલીસ ટીમ સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે સ્થાનિક ગ્રામજનોની મદદથી વાનના કાચ તોડીને અને જહેમત બાદ મૃતદેહોને બહાર કાઢ્યા હતા.
અકસ્માત સર્જીને ટ્રક ડ્રાઈવર વાહન મૂકીને નાસી છૂટ્યો હતો. પોલીસે મૃતકોના પરિવારજનોને વડોદરા ખાતે જાણ કરી દીધી છે અને તમામ મૃતદેહોને બદનાવર સિવિલ હોસ્પિટલના શબઘરમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અચાનક બનેલી દુર્ઘટનાથી વડોદરામાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.