વડોદરામાં શહેરના સૌથી મોટા યુનાઈટેડ વે ગરબા મહોત્સવમાં નવરાત્રીના પ્રથમ દિવસે જ આયોજકોના અણગઢ વહીવટને કારણે ખેલૈયાઓ ગરબે ઘૂમી શક્યા ન હતા. યોગ્ય સુવિધાઓ ન મળતા મેદાનમાં ખેલૈયાઓએ બળાપો કાઢ્યો હતો. જ્યારે નવરાત્રિના બીજા દિવસે મેનેજમેન્ટથી આક્રોર્ષિત ખેલૈયાઓ ગરબા મેદાન ઉપર રિફંડ લેવા માટે પહોંચ્યા હતા. જ્યાં તેમણે યુનાઇટેડ વે ના મેનેજમેન્ટ સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.
માઁની આરાધના ના પર્વ સમા નવરાત્રીનો સોમવારથી પ્રારંભ થઈ ગયો છે. ત્યારે વડોદરા શહેરમાં સૌથી મોટા ગણાતા યુનાઇટેડ વે ના ગરબા માં પ્રથમ દિવસે મેદાનમાં કાદવ કિચ્ચડ રહેતા ગરબા રમવા પહોંચેલા ખેલૈયાઓ રોષે ભરાયા હતા. મેદાનમાંથી જ ખેલૈયાઓએ રિફંડની માંગણી કરી હતી. ત્યારે ખેલૈયાઓનો મિજાજ પારખી ગયેલા યુનાઇટેડ વે ગરબા મહોત્સવના આયોજકો દ્વારા ખેલૈયાઓને રિફંડ મળશે ની જાહેરાત કરતા આજે ખેલૈયાઓ રિફંડ લેવા માટે પહોંચ્યા હતા.
મિથિલા પાંડેએ જણાવ્યું હતું કે, યુનાઈટેડ વે ગરબામાં પહેલા પણ આવતી હતી, પણ મને હવે મેનેજમેન્ટ બરાબર નથી લાગ્યું. કેમ કે જ્યારે તમે લોકો પાસેથી 5600 રૂપિયા લો છો તો પછી ગણતરી કરો તો માત્ર નવ દિવસમાં કરોડો રૂપિયા કમાય છે. તો પછી આ લોકોએ એ પ્રમાણે મેનેજમેન્ટ કરવું જોઈએ. મેદાન પર પ્લાસ્ટર કરવું જોઈએ. આટલા સારા ગરબા કરો છો અને ગુજરાતમાં ગરબા વખણાય છે, તો પછી એ પ્રમાણે દિમાગમાં રાખવું જોઈએ, સોશિયલ મીડિયા પર એવા વિડીયો જોયા હતા કે મેદાન ઉપર આર્ટિફિશિયલ ગ્રાસ મૂક્યું છે, પણ જ્યારે મેદાન પર આવીને જોયું તો ખબર પડી કે આ ગ્રાસ નથી. આ તો બધું નકલી છે, ખાલી દેખાડો છે. મે રીફંડ લેવા માટે આવી હતી. ગરબા રમવાની કેટલી ઈચ્છા હતી. બધી તૈયારીઓ કરી હતી, ચણિયાચોળી સીવડાવી પછી છેલ્લે શું થયું, હવે જોઈએ ક્યાં રમીશું.
જ્યારે અન્ય ગરબા ખેલૈયા આરવે જણાવ્યું હતું કે, અમે દર વર્ષે ઉત્સાહી હોઈએ છીએ, ગરબા પ્રેમી છે અને આજે આટલી મોટી સાડા પાંચ થી છ હજાર રૂપિયા જેટલી કિંમત ચૂકવી તેમ છતાં પણ આ પ્રકારનું ગ્રાઉન્ડ અને તંત્ર જોવા મળ્યું છે. જે ગરબા રમવાનો ઉત્સાહ અને મજા કરવાની આપણી ઈચ્છા હોય એના પર પણ ગ્રાઉન્ડની જેમ પાણી ફરી વળ્યું હોય એમ લાગે છે. ગઈકાલે પણ રમવા માટે આવ્યા અને એનો પણ ખર્ચો માથે પડ્યો એ પણ હવે ભારે લાગે છે. ગરબા રમવા માટે ખાસ મેં અઠવાડિયા દસ દિવસની રજા પણ મૂકી દીધી હતી. એટલે હવે એટલો મારો પગાર પણ નહીં આવે અને એની સામે ગરબા ગ્રાઉન્ડની આવી હાલત છે. એટલે ગરબા પણ રમી નહીં શકાય એટલે રિફંડ હવે લેવા માટે આવ્યા છે.
Advertisement
જ્યારે બીજી તરફ યુનાઇટેડ વેના વાઇસ ચેરમેનનું કહેવું છે કે, ખેલૈયાઓએ જે ચુકવણી કરી હશે. તે રિફંડ તેમને પાંચથી સાત દિવસમાં મળશે. યુનાઇટેડ વે ગરબામાં 35,000 ખેલૈયાઓનું રજીસ્ટ્રેશન થયું છે અને ગતરોજ બનેલી ઘટનામાં ખેલૈયાઓએ રિફંડની માંગણી કરી હતી. નોંધનીય છે કે, હોબાળા બાદ આજરોજ ખેલૈયાઓ પોતાનું રિફંડ લેવા માટે ગરબા મેદાન ખાતે પહોંચ્યા હતા. જોકે ત્યાં તેમને રિફંડ આપવામાં આવ્યું ન હતું. થોડા દિવસોમાં તેમને ચૂકવેલું તમામ રિફંડ પરત મળશે તેવી બાંહેધરી આપવામાં આવી હતી. મહત્વની બાબત છે કે ગરબા રમવાનો એક અનોખો ઉત્સાહ હોય છે ત્યારે ગરબા રસિકોના ઉત્સાહ ઉપર પાણી ફરી વળતા યુનાઇટેડ વેના માલેતુજાર આયોજકો સામે ખેલૈયાઓએ ફિટકારની લાગણી વરસાવી હતી.