યાત્રાધામ પાવાગઢ ખાતે દર્શન માટે આવેલા પ્રેમી-પ્રેમિકાનો પગ લપસતા પાવાગઢના ડુંગર પરથી 150 ફૂટ ઉંડી ખીણ પડી જતા તેઓને ગંભીર ઇજા પહોંચી હતી ગત રોજ સાંજના સમયે બનેલી ઘટના બાદ અંધારું થઈ જતા તેઓ કોઈને મળ્યા ન હતા. આખી રાત જંગલમાં ઇજાગ્રસ્ત હાલતમાં પડી રહ્યા બાદ સવારે મોબાઈલ ફોન શોધીને 108ને ફોન કરતા પાવાગઢ પોલીસ અને 108 ટીમે 4 કલાકની મહેનત બાદ બંનેને શોધી કાઢીને રેસ્ક્યુ કર્યા હતા.
ગાંધીનગર પાસે કલોલના રહેવાસી કિશન રમેશભાઈ ઠાકોર પોતાની પરણિત પ્રેમિકા સાથે પાવાગઢમાં દર્શન માટે આવ્યા હતા. ગત રોજ ત્રીજી તારીખે તેઓ દર્શન કરીને નજીકના ડુંગર પર બેઠા હતા.જ્યાં તેઓએ નાસ્તો કર્યો હતો. સાંજ પડતા ત્યાંથી ઉભા થઈને નીકળવા જતા પ્રેમિકાનો પગ લાપસ્યો હતો.
Advertisement
પ્રેમિકા ખીણમાં પડે તે પહેલાં બચાવવા માટે પ્રેમી કિશન ઠાકોર ખીણ તરફ ઝુક્યો હતો.જ્યાં તેનો પણ પગ લપસી જતા ડુંગર પરથી સીધા 150 ફૂટ નીચે ખીણમાં પડ્યા હતા.ઇજાગ્રસ્ત થયા બાદ કણસતા તેઓએ મદદ માટે પોકાર લગાવી હતી જોકે કોઈ મદદે આવ્યું ન હતું.
જે સ્થળે બંને પટકાયા હતા એ સ્થળ એક સમયે મેંગેનીઝની ખાણ હતી.અને ચારેય તરફ પાણી અને વચ્ચે એક ચટ્ટાન હતી જેના પર તેઓએ ઇજાગ્રસ્ત હાલતમાં આખી રાત વિતાવી હતી.રાત્રીના સમયે જંગલી જાનવરોના અવાજ અને વહેતા ઝરણાંના અવાજ વચ્ચે તેઓ પડી રહ્યા હતા.
વહેલી સવારે અજવાળું થતા મહામુસીબતે તેઓએ મોબાઈલ ફોન શોધ્યો હતો.અને 108 માં ફોન કરીને મદદ માંગી હતી. “અમે પાવાગઢની ખીણમાં પડી ગયા છે અને અમને વાગ્યું છે” આવો કોલ મળતા જ 108 ની ટીમ યુવક અને તેની પ્રેમિકાની શોધખોળમાં લાગી હતી. ફોન પર જે રીતે વર્ણન કર્યું હતું તે રીતે શોધખોળ કરવા છતાંય તેઓનું લોકેશન મળતું ન હતું. અને બે કલાકની મથામણ બાદ 108 દ્વારા પોલીસ અને ફાયર ટીમની મદદ લેવામાં આવી હતી.
ફાયરબ્રિગેડ,પોલીસ,તેમજ સ્થાનિક ટુકડીઓ સાથે બંનેની શોધખોળ શરૂ કતી હતી. જયારે કલકોનો જહેમત બાદ બંનેનો પત્તો લાગ્યો હતો. 150 ફૂટ ઉંડી ખીણ માંથી ઇજાગ્રસ્ત બે વ્યક્તિઓને બહાર કાઢવાએ પડકાર ભર્યું કામ હતું.
ફાયરબ્રિગેડ અને પોલીસ દ્વારા પહેલા ખીણમાં ઉતરીને બંનેને સ્ટ્રેચર પર બાંધ્યા હતા.અને ત્યાર બાદ મહામુસીબતે દોરડા વળે તેઓને ઉપર ખેંચીને ખીણ માંથી બહાર કાઢ્યા હતા. જેઓને ત્યાંથી એમ્બ્યુલન્સ મારફતે પાવાગઢના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. દિવસ દરમિયાન ચાલેલા દિલધડક રેસ્ક્યુ ઓપરેશન બાદ તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.