શહેરમાં વધતી જતી વાહન ચોરીની ઘટનાઓને ડામવા માટે પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર અને અધિક પોલીસ કમિશનર ડૉ. લીના પાટીલની સૂચનાથી ક્રાઈમ બ્રાન્ચ સક્રિય બની છે. આ ઝુંબેશ અંતર્ગત ક્રાઈમ બ્રાન્ચની ટીમે અકોટા વિસ્તારમાં થયેલી મોપેડ ચોરીના ગુનાનો પર્દાફાશ કરી એક આરોપીની ધરપકડ કરી છે.
❓કઈ રીતે પકડાયો આરોપી?
ક્રાઈમ બ્રાન્ચના DCP હિમાંશુ કુમાર વર્મા અને ઇન્ચાર્જ ACP ડી.જે. ચાવડાના માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ. આર.જી. જાડેજા અને એચ.ડી. તુવરની ટીમ કાર્યરત હતી. આ દરમિયાન PSI બી.વી. ગોહિલની ટીમને બાતમી મળી હતી કે વાડી મહાદેવ તળાવ ચાર રસ્તા પાસે એક શંકાસ્પદ શખ્સ હોન્ડા ડેસ્ટીની મોપેડ સાથે ઉભો છે. પોલીસે તપાસ કરતા આરોપી તરુણ ઉપેન્દ્રભાઈ શુક્લા (ઉ.વ. 32) પાસે વાહનના કોઈ કાગળો મળી આવ્યા નહોતા અને સંતોષકારક જવાબ ન મળતા તેની કડક પૂછપરછ હાથ ધરાઈ હતી.
🧐ચોરીનું અજીબ કારણ
પૂછપરછમાં ચોંકાવનારી વિગત સામે આવી કે:
- આરોપી તરુણને ગત તા. ૨૨ ફેબ્રુઆરીના રોજ આણંદ જવાનું હતું.
- તેની પાસે પોતાનું વાહન ન હોવાથી તેણે પોતાના જ રહેણાંક એપાર્ટમેન્ટ ‘મહાત્મા ગાંધી હાઈટ્સ’ માં રહેતા અન્ય રહીશની મોપેડ ચાવી સાથે જોઈ હતી.
- તકનો લાભ ઉઠાવી તેણે આ મોપેડની ચોરી કરી હતી અને ત્યારબાદ તે છૂપી રીતે આ વાહન ફેરવતો હતો.
🚨કુલ 88,000નો મુદ્દામાલ કબજે
પોલીસે અંદાજે રૂ. 88,000ની કિંમતનું હોન્ડા ડેસ્ટીની મોપેડ કબજે કર્યું છે. આ ચોરી અંગે અકોટા પોલીસ સ્ટેશનમાં અગાઉ ગુનો નોંધાયેલ હતો, જેથી વધુ તપાસ માટે આરોપીને અકોટા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
👮આરોપીનો ગુનાહિત ઇતિહાસ
ઝડપાયેલો આરોપી તરુણ શુક્લા અગાઉ પણ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલો છે. વર્ષ 2015માં ગોત્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કારમાંથી લેપટોપની બેગ ચોરી કરવાના ગુનામાં પણ તેની ધરપકડ થઈ ચૂકી છે.
વડોદરા ક્રાઈમ બ્રાન્ચની આ સતર્ક કામગીરીથી વાહન ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.