વડોદરા જિલ્લામાં ભાજપમાં ગત રવિવારે યોજાયેલા પ્રધાનમંત્રીના મન કી બાત કાર્યક્રમના જીવંત પ્રસારણ નિહાળવા માટે લોકોને એકત્રિત કરીને નેતાઓએ હાજરી આપીને તેની અપડેટ પ્રદેશમાં કરવાની હોય છે. આ કાર્યક્રમમાં વડોદરા જિલ્લાના એક ગામમાં ભાજપના નેતાઓ પહોંચ્યા હતા. જ્યાં નેતોએ એક સાથે બેસીને પ્રધાનમંત્રીના મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો હતો. કાર્યક્રમ નિહાળ્યા બાદ ગામના ખેડૂતે તેઓના ગામની સમસ્યાઓની ફરિયાદો જીલ્લા કક્ષાના નેતા સામે ઠાલવી હતી.
જેમાં એક રજુઆત એમ કહી કે, ખેડૂતોના ખેતરમાં જવાના રસ્તામાં પાણી ભરાઈ જાય છે. જેના કારણે ખેડૂતોને ખેતરમાં આવવા જવામાં ભારે હાલાકી ભોગવવી પડે છે. અહીંયા પાણીના નિકાલનો જે કુદરતી રસ્તો હતો તે બંધ થઈ જવાને કારણે સમસ્યા સર્જાય છે. આ રજૂઆત સાંભળ્યા બાદ જાણે કોઈને પણ ઉતારી પાડવાની આદત લાવી હોય તેમ પેલા નેતાજી એ ખેડૂતને સંભળાવ્યું કે, “તમારે ખેતર લેતા પહેલા વિચારવું જોઈએ ને!, કે અહીંયા પાણી ભરાય છે એટલે ખેતર ન લઈએ”
આ વાત સાંભળીને ફરિયાદ કરવા આવેલા ખેડૂત ભડકી ઉઠયા અને સંભળાવી દીધું કે, “અમે ગામમાં આજકાલના બહારથી આવીને વસેલા નથી, અમારી પેઢીઓ આ ગામમાં વીતી ગઈ, જમીનો પણ વડીલોપાર્જીત છે. એટલે પાણી ભરાય ત્યાં જમીન નહીં લેવી જોઈએ તેવી સલાહ ના આપશો, તમારા અણગઢ વિકાસમાં પાણીનો કુદરતી રસ્તો બંધ થયો છે. એ ખોલાવવા માટે તમને રજુઆત કરી છે.” આટલું બોલતાની સાથે જ બેઠકમાં સોપો પડી ગયો, નેતાજીની હાલત “અધુરો ઘડો છલકાય ઘણો” કહેવત જેવી થઈ ગઈ હતી. સામાન્ય રજુઆતમાં ઉડાઉ જવાબ આપતાની સાથે જ નેતાજીની હાલત હાસ્યાસ્પદ થઈ હતી.