ડ્રાઇવર જ નીકળ્યો માસ્ટરમાઇન્ડ:પાલિકાના જ રોલર ડ્રાઇવર સંજય કહારે સરકારી ઇંધણ સસ્તા ભાવે વેચી મારવાનું કૌભાંડ આચર્યું હતું.
અધિકારીઓની જવાબદારીમાંથી પીછેહઠ:ઘટના અંગે પૂછપરછ કરતા રેવન્યુ ઓફિસર અને ડેપ્યુટી એન્જિનિયર એકબીજા પર દોષનો ટોપલો ઢોળીને જવાબદારીમાંથી છટકતા નજરે પડ્યા.
સુરક્ષા સામે પ્રશ્નાર્થ:કચેરીમાં સીસીટીવી અને સિક્યુરિટી ગાર્ડ હોવા છતાં આ પ્રકારે ચોરી થવી તંત્રની નબળી દેખરેખની પોલ ખોલે છે.
વડોદરા: વડોદરા મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર અને વહીવટી લાપરવાહીના કિસ્સાઓ અવારનવાર સામે આવતા રહે છે, ત્યારે હવે VMCની પોતાની જ કચેરીમાંથી સરકારી વાહનોનું ઇંધણ ચોરાતું હોવાની એક અત્યંત ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. વડોદરા પોલીસ ઝોન-૪ એલસીબી (LCB) ની ટીમે બાતમીના આધારે દરોડા પાડીને પાલિકાના જ રોલર મશીનમાંથી ડીઝલ ચોરી કરતા ત્રણ શખ્સોને રંગે હાથ ઝડપી લીધા છે.
શું છે સમગ્ર પ્રકરણ?
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, વડોદરા શહેરના હરણી રોડ પર આવેલી વડોદરા મહાનગરપાલિકાની વોર્ડ નંબર ૪ ની વહીવટી કચેરીના પ્રાંગણમાં એક જેસીબી અને રોલર મશીનમાંથી ડીઝલ ચોરી થતી હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે એલસીબીની ટીમે કચેરી ખાતે વોચ ગોઠવીને રોલરમાં પાઇપ લગાવીને ડીઝલ કાઢી રહેલા ત્રણ ઈસમોને ઝડપી પાડ્યા હતા.
પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગત બહાર આવી હતી કે પકડાયેલ આરોપી સંજય હીરાભાઈ કહાર VMCના વોર્ડ નં. ૪ ની કચેરીમાં જ રોલરના ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે. આ ડ્રાઇવર પોતાના જ વિભાગના વાહનમાંથી ડીઝલ ચોરી કરીને પોતાની સાથે હાજર અન્ય ઈસમો દિનેશ કહાર અને ધર્મેશ ચુનારાને રૂપિયા ૭૦ ના ભાવે વેચી દેતો હતો. પૂછપરછ દરમિયાન સંજય કહારે અગાઉ પણ બે વખત પાંચ-પાંચ લીટર ડીઝલ ચોરી કર્યું હોવાની કબૂલાત કરી છે. પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ અર્થે વારસિયા પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી છે.
અધિકારીઓની બેદરકારી અને આડાંઅવળા જવાબ:
આ સમગ્ર કૌભાંડ સામે આવ્યા બાદ જ્યારે મીડિયા દ્વારા વોર્ડ નંબર ૪ ની કચેરીનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે વોર્ડ ઓફિસર ગીતાબેન સોલંકી રજા પર હોવાનું અને હાલ ચાર્જ રેવન્યુ ઓફિસર ભાવેશ પરમાર પાસે હોવાનું જાણવા મળ્યું હતું. જવાબદાર તરીકે જ્યારે ભાવેશ પરમારને પૂછવામાં આવ્યું ત્યારે તેઓ સમગ્ર માને લઈને દોષનો ટોપલો ડેપ્યુટી એન્જિનિયર રાકેશ સોલંકી પર ઢોળીને રવાના થઈ ગયા હતા. બીજી તરફ, ડેપ્યુટી એન્જિનિયર રાકેશ સોલંકીએ આ બાબતે અજાણ હોવાનું રટણ કર્યું હતું અને વોર્ડ ઓફિસરના ચાર્જમાં રહેલા અધિકારી પર જવાબદારી હોવાનું જણાવ્યું હતું.
કચેરીના પરિસરમાં સીસીટીવી કેમેરા અને સિક્યુરિટી ગાર્ડ તૈનાત હોવા છતાં જો કોઈ કોન્ટ્રાક્ટ કે સરકારી ડ્રાઇવર બેરોકટોક ડીઝલ ચોરી કરી જતો હોય, તો તે સ્પષ્ટ દર્શાવે છે કે કચેરીના જવાબદાર અધિકારીઓનું પોતાની જ વહીવટી વ્યવસ્થા પર કોઈ નિયંત્રણ નથી.