Savli

જીલ્લા ભાજપ કાર્યાલયમાં સાવલી નગરના સેન્સ લેવાયા,મર્યાદિત સક્રિય સભ્યો હોવાથી દાવેદારી પણ મર્યાદિત થઈ

Published

on

  • નિરીક્ષકના જણાવ્યા અનુસાર એક બેઠક માટે ત્રણ નામ શોર્ટલિસ્ટ કરવામાં આવશે
  • સાવલી નગરના 6 વોર્ડમાં 24 બેઠકો માટે 72 દાવેદારો શોર્ટલિસ્ટ થશે
  • ઉમેદવારીના માપદંડમાં પાછલા ત્રણ વખતમાં સક્રિય સભ્ય નોંધાયેલા હોવા જોઈએ,જ્યારે નગરમાં કુલ 79 સક્રિય સભ્ય નોંધાયેલા છે.

આગામી જીલ્લા પંચાયત,તાલુકા તાલુકા પંચાયત તેમજ નગર પાલિકાની ચૂંટણીઓ માટે આજે જિલ્લા ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ પ્રક્રિયામાં પ્રદેશ દ્વારા નક્કી કરવામાં આવેલા નિરીક્ષકોની હાજરીમાં ઉમેદવારી કરવા માંગતા ભાજપના કાર્યકરો પોતાની દાવેદારી નોંધાવી શકશે.

જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આજે સવારથી સાવલી નગર, ડેસર તેમજ સાવલી તાલુકાના દાવેદારોને સાંભળવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જોકે ભાજપની આંતરિક પ્રક્રિયા પ્રમાણે પાછલા ત્રણ વખતના સક્રિય સભ્યો ઉમેદવારી નોંધાવી શકે તેવી સ્થિતિ હોવાથી પ્રક્રિયા જટિલ થવા પામી છે.

જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આવેલા નિરીક્ષકો પૈકી સુરત મહાનગર ભાજપના પૂર્વ અધ્યક્ષ નીતિનભાઈ ભજીયાવાલના જણાવ્યા અનુસાર પાછલા ત્રણ વખતથી સક્રિય સભ્ય હોય તેવા કાર્યકરો નગરપાલિકાની ચૂંટણીમાં પોતાની દાવેદારી નોંધાવી શકે છે. પસંદગી પ્રક્રિયાના આ ક્રાઈટેરિયાને કારણે ઉમેદવારોની પસંદગી સીમિત થઈ જાય તેવી સ્થિતિ ઊભી થઈ છે.

મહત્વનું છે કે, સાવલી નગરમાં ભાજપના સંગઠન પર્વમાં નોંધાયેલી સક્રિય સભ્યોની કુલ યાદી 79 સભ્યોની છે. જ્યારે સાવલી નગરમાં કુલ 6 વોર્ડમાં 24 સભ્યો ચૂંટણી લડી શકે તેવી વ્યવસ્થા છે. આ સંજોગોમાં જ્યારે એક બેઠક પર ત્રણ નામો શોર્ટ લિસ્ટ કરવાના હોય ત્યારે સક્રિય સભ્યોના 79 નામોમાંથી સીધે સીધા 72 દાવેદારો શોર્ટ લિસ્ટ થઈ શકે છે. જેના કારણે મર્યાદિત ઉમેદવારો અને નવા ચહેરાઓની સીધી બાદબાકી થશે તેમ લાગી રહ્યું છે.

સંગઠન પર્વ સમએ સાવલી નગર ભાજપની નીરસ કામગીરીના કારણે સક્રિય સભ્યોની નોંધણી પણ ઓછી થઈ છે. જેના કારણે એક બેઠક પર ત્રણ ઉમેદવારનું નામ શોર્ટ લિસ્ટ થાય તો 72 દાવેદારો સક્રિય સભ્યના લિસ્ટમાંથી નોંધાઈ જશે. જેથી હવે દાવેદારો વચ્ચેની હરીફાઈ પૂર્ણ થઈ ગઈ હોય તેમ લાગી રહ્યું છે.

Trending

Exit mobile version