અન્ય શહેર-જીલ્લામાં SMCની મોટી કાર્યવાહી થાય તો સ્થાનિક PIની સાથે સાથે LCB-PCBમાં પણ સસ્પેન્શનનો હુકમ થતો, અહી તો PCBને જ તપાસ આપી દેવાઈ
અઢી કરોડના શરાબના જથ્થાના મુખ્ય સુત્રધારનું નામ પણ PCBએ 4 દિવસમાં શોધી કાઢ્યું, પણ આરોપી પકડાતો નથી!
જે કેસમાં PIને સસ્પેન્ડ કર્યા, તે કેસની તપાસ PSI કક્ષાના અધિકારી કરે છે.
વડોદરા શહેરના છાણી પોલીસ મથક વિસ્તારમાં કરોડોના થઇ રહેલા શરાબ કટિંગ પર ગત જૂન મહિનામાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડામાં લગભગ 2.44 કરોડનો વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. શહેરી હદ વિસ્તારમાં ગોડાઉન ભાડે રાખીને શરાબનું કન્ટેનર ખાલી થતું હોય અને સ્થાનિક પોલીસને જાણ ન હોય તે વાત શંકા ઉપજાવે તેવી હતી. જેથી શહેર પોલીસ કમિશ્નરે તત્કાલીન છાણી પી.આઈ. એ.પી. ગઢવીને સસ્પેન્ડ કરતો હુકમ કર્યો હતો. જોકે પ્રિવેન્શન માટેની જેની જવાબદારી બને છે તેવા એક પણ જવાબદાર અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવી ન હતી.
એક PIને સસ્પેન્ડ કરીને લગભગ 2.44 કરોડના શરાબના જથ્થાની હેરાફેરીના કેસમાં સ્ટેટ મોનીટરીંગ સેલે આપેલી ફરિયાદમાં તપાસ PI કરતા ઉપરી અધિકારી એટલે કે ACP કે DCP કરે તો, કોની રહેમનજરથી આ શરાબનો જથ્થો ઉતરતો હતો અને સ્થાનિક પોલીસમાં કોની કોની મિલીભગત છે તેની જાણકારી તપાસમાં બહાર આવી શકે તેમ હતી. જોકે રંધાયું એવું કે, જે એજન્સી ગુન્હો થતા પહેલા તેને શોધી કાઢવા માટેની જવાબદારી ધરાવે છે. એ PCB શાખાને તેની તપાસ સોપવામાં આવી . અને એમાં પણ PSI કક્ષાના અધિકારી પી.એમ ધાખડાને આટલા મોટા કેસની તપાસ સોપાઈ.
SMCએ સોંપેલા આરોપીઓ સિવાય સાડા ત્રણ મહિનામાં PCBને એક પણ વધુ આરોપી જડ્યો નહિ! આ તપાસમાં આજ દિન સુધી કોઈ પ્રોગ્રેસ જોવા મળ્યો નથી. સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા જે ચાર આરોપીઓ નામે (1) માંગીલાલ બાબુરામ બિશ્નોઈ (2)કમલેશ માધારામ બેનીવાલ (3) અશોક ઉર્ફે અનીલ પપ્પુરામ બિશ્નોઈ અને (4) પ્રવીણ પુનારામ બિશ્નોઈની ધરપકડ કરીને શહેર પોલીસને સોપ્યા હતા. તે સિવાય કુલ 9 આરોપીઓ માંથી અન્ય કોઈની ધરપકડ કરવામાં PCBને સફળતા મળી નથી. એટલું જ નહિ પકડાયેલા ચાર આરોપીઓના રિમાન્ડમાં મુખ્ય આરોપી તરીકે જેને દર્શાવવામાં આવ્યો હતો તેનું ખોટું નામ FIRમાં દર્શાવાયું હતું.જે આરોપીની સાચા નામ સરનામાં સાથેની વિગતો તપાસમાં સામે આવી હોવા છતાય તેના સુધી પહોચવામાં PCB ટીમને કોઈ સફળતા મળી નથી.
Advertisement
આ સાડા ત્રણ મહિનામાં PCBના તપાસ અધિકારીએ શું કામગીરી કરી? 16 જુનના રોજ SMCના દરોડા બાદ આજ દિન સુધી કોઈ મોટી સફળતા PCBને મળી નથી, 17 જુને આરોપીઓના રિમાન્ડ મેળવ્યા બાદ 20 જુને રિમાન્ડ પૂર્ણ થતા, 21 જુને આરોપીઓને જામીન પર મુક્ત કરવા માટેનો હુકમ એડી.ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ દ્વારા કરવામાં આવ્યો. ટ્રાયલ કોર્ટે કરેલા હુકમને પડકારવા માટે PCB શાખાના તપાસ અધિકારીએ આરોપીઓની વધુ કસ્ટડી માટે BNSSની 438 કલમ હેઠળ રીવીઝન અરજી કોર્ટ સમક્ષ કરવામાં આવી. 27 જુને કરવામાં આવેલી આ રીવીઝન અરજી બાબતે નામદાર કોર્ટ દ્વારા તપાસ અધિકારી સરકાર તરફેના વકીલ અને આરોપીઓ તરફેણ વકીલની દલીલો સાંભળીને 4 જુલાઈના રોજ રીવીઝન અરજીને નામંજૂર કરતો હુકમ કર્યો. 27 જુનની અરજી માંજ PCBના તપાસ અધિકારીની 20 જુનની કેસ ડાયરી અને રિમાન્ડ રીપોર્ટમાં સ્પષ્ટ થયું હતું કે, FIRમાં જે વ્યક્તિનું ખોટું નામ દર્શાવવામાં આવ્યું છે. તેના સાચા નામ અને સરનામાંની માહિતી પોલીસને મળી ગઈ છે. આ સાથે આંગડીયા દ્વારા કરવામાં આવતા વહીવટો અંગેની માહિતી પણ પોલીસને મળી ચુકી છે. જે બાદ 13 ઓગસ્ટ અને 21 ઓગસ્ટ એમ બે જામીન અરજીમાં ચારેય આરોપીઓને જામીન પર મુક્ત કરવાનો હુકમ નામદાર કોર્ટ દ્વારા કરી દેવામાં આવ્યો. 20 જૂનથી PCBના તપાસ અધિકારીને શરાબ સપ્લાયના મુખ્ય સુત્રધારની માહિતી મળી ગઈ હતી, પોલીસે વોન્ટેડ આરોપીઓના કલમ 70 મુજબની નોટીસ ઈશ્યું કર્યા સિવાય કોઈ મહત્વનો પ્રેગ્રેસ જોવા મળ્યો નથી. જે ઘણી શંકા ઉપજાવે છે.
આ મામલે તપાસ અધિકારી પીએસઆઈ પી.એમ ધાક્ડાએ જણાવ્યું હતું કે, “ગુન્હાની ચાર્જશીટ કરી દેવામાં આવી છે, PCB એ વોન્ટેડ તમામ આરોપીઓનું 70 મુજબનું વોરંટ ઈશ્યુ કર્યું છે, આરોપીઓને શોધી કાઢવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. મુખ્ય આરોપીનું લોકેશન ગુજરાતમાં મળ્યું હતું જ્યાં પોલીસે તપાસ કરી હતી. પણ સ્થળ પરથી નાસી છૂટવામાં તે સફળ થયો હતો. SMCએ પકડીને આપેલા ચારેય આરોપીઓ જામીન પર મુક્ત થયા બાદ તેઓને PASA હેઠળ રાજ્યની અલગ આલગ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.”
મહત્વનું છે કે, પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાંચ(PCB)ની જવાબદારી ક્રાઈમ થતા પહેલા તેને રોકવાની છે. અહી તો કરોડોની કિંમતનો શરાબનો જથ્થો SMC દ્વારા પકડીને આપ્યા બાદ પણ આરોપીઓ પકડાતા નથી. બેદરકારીમાં જેટલી જવાબદારી છાણી PIની હતી. એટલી જ જવાબદારી PCB ના અધિકારીની પણ બને છે. પોલીસ મથક વિસ્તારોમાં શરાબનો જથ્થો ઝડપી પાડવા માટે PCB પાસે સ્વતંત્ર સત્તા છે, તો કન્ટેનર ખાલી થતું હતું ત્યાં PCBની ટીમને કેમ બાતમી મળી નહિ ? અન્ય શહેર જીલ્લામાં સ્ટેટ મોનીટરીંગ સેલ આટલી મોટી કાર્યવાહી કરે તો સ્થાનિક PI અને PCB, LCB અધિકારી સુદ્ધા સસ્પેન્ડ થયા હોવાના કિસ્સા ભૂતકાળમાં નોંધાયા છે. અહી તો જેની નિષ્ફળતા નક્કી થઇ છે, તેજ શાખાને તપાસની જવાબદારી સોપવામાં આવે તો તપાસમાં સારા પરિણામોની અપેક્ષા જ ન રખાય! બિશ્નોઈ ગેંગ આજે પણ શક્રિય છે. શરાબનો જથ્થો વડોદરામાં ઠલવાય છે અને અહિયાથી પસાર પણ થાય છે. થોડા સમય પહેલા જ જીલ્લા LCBએ બિશ્નોઈ ગેંગનું એક શરાબનું કન્ટેનર ઝડપી પાડ્યું હતું. જયારે વડોદરા શહેર પોલીસને કેમ સફળતા મળતી નથી તેની પણ ગુપ્ત રહે તપાસ થઇ રહી છે!