વડોદરા ના જાણીતા પોલોગ્રાઉન્ડ નજીક આવેલી સોસાયટીમાં તસ્કરોના આંટાફેરા સીસીટીવી માં કેદ થતા સ્થાનિકોની ચિંતા વધી છે. આ અગાઉ પણ વર્ષ દરમિયાન ચાર-પાંચ વખત સોસાયટીમાં ચોરીની ઘટનાઓ સામે આવી હતી. છતાં આ સિલસિલો અટકવાનું નામ નથી લઇ રહ્યો. જેથી હવે સોસાયટીના રહીશો પોલીસ પેટ્રોલીંગ વધારે તે માટે માંગ કરી રહ્યા છે. આમ, દિપાવલીના તહેવાર ટાણે જ લોકો ભયના માહોલ વચ્ચે જીવી રહ્યા હોવાની ઘટના સામે આવી છે. હવે આ મામલે પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. સોશિયલ મીડિયા માધ્યમ થકી સામે આવેલા સીસીટીવી 31, ઓક્ટોબરના મધરાત્રીના હોવાનું જાણવા મળી રહ્યું છે.
Advertisement
વડોદરાના જાણીતા પોલો ગ્રાઉન્ડ ફરતે ચારેય બાજુ સોસાયટીઓ આવેલી છે. પોલોગ્રાઉન્ડ, બગીખાના સ્થિત રાજદીપ કો-ઓપરેટીવ હાઉસિંગ સર્વિસ સોસાયટી લિમિટેડમાં દિપાવલી ટાણે જ તસ્કરોના આંટાફેરા વધી ગયા છે. તસ્કરોની હાજરી સીસીટીવીમાં જોવા મળી રહી છે. સાથે જ એક ઘરનો નકુચો તોડીને તેમાં ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની માહિતી સપાટી પર આવી રહી છે. ત્યારે તહેવાર સમયે જ આ સોસાયટીના લોકો ભયના માહોલ વચ્ચે જીવવા મજબુર બન્યા છે. આ તસ્કરો સવારે ચાર થી પાંચ વાગ્યાના ગાળામાં આવીને હાથફેરો કરવાની પેટર્ન વર્ષભર અજમાવી રહ્યા હોવાનું સ્થાનિકોનું કહેવું છે.
સ્થાનિક સુત્રોના જણાવ્યા પ્રમાણે, તસ્કરો આ સોસાયટીમાં પેંધા પડ્યા હોય તેમ લાગી રહ્યું છે. વર્ષ દરમિયાન ચાર-પાંચ વખત આ સોસાયટીમાં ચોરીની ઘટના થઇ છે. છતાં આ સિલસિલો અટકવાનું નામ નથી લઇ રહ્યો. દર વખતે સોસાયટીની ઘટનાઓને મીડિયા સમક્ષ ઉજાગર પણ કરવામાં આવી છે. પરંતુ તેની કોઇ અસર જણાતી નથી. આ વખતે નક્કર કામગીરી થાય તે માટે સોસાયટીના પ્રમુખ વિશેષ પ્રયત્નો કરી રહ્યા છે. તાજેતરમાં પણ તસ્કરો દ્વારા ઘરનો નકુચો તોડીને હાથફેરાનો પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદથી રહીશો સતત ભયના માહોલ વચ્ચે જીવી રહ્યા છે. સ્થાનિક રહીશો દ્વારા પોલીસ પેટ્રોલીંગ વધારવાની સાથે તસ્કરોમાં ભય પેંસે તેવી કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.