દુમાડ ચોકડીથી સુરત તરફ જવાના રસ્તા પર તુલીપ હોટલ નજીક 18મી સાંજે હિટ એન્ડ રનની ઘટના બની હતી.
- ગંભીર રીતે ઘવાયેલા અજાણ્યા પુરુષને સિવિલ હોસ્પિટલ ખસેડતા ડોક્ટરોએ મૃત જાહેર કર્યો હતો.
- જેમાં 55-60 વર્ષની ઉંમરના અજાણ્યા પુરુષને ઝડપી ગતિએ દોડતી કારએ અડફેટે લીધો હતો.
- સીસીટીવી ફૂટેજના આધારે અકસ્માત કરનાર વાહન સફેદ રંગની કાર હોવાનું સામે આવ્યું હતું.
દુમાડ ચોકડી નજીક હાઇવે પર સપ્તાહ પહેલા થયેલા હિટ એન્ડ રન કેસમાં પોલીસે ફરાર કાર ચાલકને અમદાવાદથી ઝડપી પાડ્યો છે. ઘટના 18મી તારીખે સાંજના સમયે બની હતી, જ્યારે તુલીપ હોટલ પાસે રોડ ક્રોસ કરી રહેલા 55 થી 60 વર્ષની ઉંમરના અજાણ્યા પુરુષને પૂર ઝડપે દોડતી એક સફેદ કારએ અડફેટમાં લીધો હતો.
ગંભીર રીતે ઘવાયેલા આ વ્યક્તિને સિવિલ હોસ્પિટલ ખસેડાતાં ડોક્ટરોએ મૃત જાહેર કર્યો હતો.મૃતકની ઓળખાણ હજી સુધી થઈ શકી નથી. સમા પોલીસે તેના ફોટા અને વિગતો વડોદરાના તેમજ આસપાસના પોલીસ સ્ટેશનોમાં મોકલી આપી છે. બીજી તરફ તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજના આધારે સંદેહાસ્પદ કાર સફેદ રંગની હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
ટોલનાકાના રેકોર્ડ ચકાસતા પોલીસે કાર નંબરના આધારે આરોપી મિતુલ કિરીટભાઈ પટેલ (રહે. તીર્થ વિલા ફ્લેટ્સ, ગણેશ બંગલોઝ પાસે, ન્યુ રાણીપ, અમદાવાદ) ને ઝડપી પાડી કાર કબ્જે લીધી છે.પોલીસ સંડોવણીની વધુ પૂછપરછ કરી રહી છે, જ્યારે મૃતકની ઓળખાણ માટે પ્રયત્નો ચાલુ રાખવામાં આવ્યા છે.