મુલાકાત દરમિયાન તેમણે સંવેદનશીલ, સકારાત્મક અને સ્વચ્છ અભિગમ અપનાવવા પર ભાર મુક્યો હોવાનું જાણવા મળી રહ્યું છે
આજરોજ દિવાળી ના દિવસે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય વડોદરા જિલ્લા પોલીસના હેડક્વાર્ટર આવી પહોંચ્યા છે. તેમણે અહિંયા પોલીસ જવાનોના પરિવારના સભ્યોને મીઠાઇ વહેંચી પર્વની શુભેચ્છાઓ પાઠવી છે. સાથછે જ તેમણે સારી કામગીરી કરનાર પોલીસ જવાનોને પ્રશંસાપત્ર આપીને તેમની કામગીરીને બિરદાવી છે. રાજ્યના પોલીસ વડાની મુલાકાતને પગલે વડોદરા જિલ્લા પોલીસ કર્મીઓમાં ભારે ઉત્સાહની લાગણી જોવા મળી છે. આ મુલાકાત દરમિયાન તેમણે સંવેદનશીલ, સકારાત્મક અને સ્વચ્છ અભિગમ અપનાવવા પર ભાર મુક્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
રાજ્યભરમાં લોકો શાંતિપૂર્વક રીતે દિવાળીની ઉજવણી કરી શકે તે માટે ગુજરાત પોલીસ સતત પ્રયત્નશીલ છે. પોલીસ પરિવાર પ્રત્યે હરહંમેશ સંવેદનશીલતા દાખવતા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય તેમના વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે વડોદરા જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટરની મુલાકાતે આવી પહોંચ્યા છે. તેમણે મુલાકાત દરમિયાન જિલ્લા પોલીસ પરિવારના સભ્યોને મીઠાઇનું વિતરણ કર્યું છે. અને તેમને રૂબરૂ થઇને પર્વની શુભેચ્છાઓ આપી છે. સાથે જ તેમણે જિલ્લામાં સારી કામગીરી કરનાર પોલીસ જવાન-અધિકારીઓને પ્રશંસા પત્ર આપીને તેમનું સન્માન કર્યું છે.
રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયએ ટુંકું સંબોધન કરતા જવાનોને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે જ પોલીસનો પ્રજાની સેવા, સુરક્ષા અને શાંતિનું સુત્ર સાચા અર્થમાં ચરિતાર્થ કરવા માટે સંવેદનશીલ, સકારાત્મક અને સ્વચ્છ અભિગમ અપનાવવા માટેનો ગુરૂમંત્ર આપ્યો હતો. જવાનો સાથે મુલાકાત લીધા બાદ તેઓ જિલ્લા હેડ ક્વાર્ટરના બેડમિન્ટન કોર્ટ, નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ તેમજ આંગણવાડીની મુલાકાતે પણ પહોંચ્યા હતા. આંગણવાડીની મુલાકાત દરમિયાન તેમણે પોલીસ પરિવારના નાના-નાના ભૂલકાઓ સાથે વાર્તાલાપ કરીને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી. અને તેમને ચોકલેટ તથા આશિર્વાદ આપ્યા હતા.