વડોદરાની સયાજી હોસ્પિટલ (SSG) ફરી એકવાર દેવદૂત સાબિત થઈ છે. માત્ર 10 કલાકના ટૂંકા ગાળામાં હોસ્પિટલના ENT વિભાગના તબીબોએ બે માસૂમ બાળકોના સફળ ઓપરેશન કરી તેમને નવજીવન આપ્યું છે. રજાના દિવસોમાં બાળકો રમતા-રમતા પિન અને સિક્કો ગળી ગયા હતા, જે તેમના માટે જીવલેણ સાબિત થઈ શકત. ચાલો જોઈએ સયાજી હોસ્પિટલના ડોક્ટરોએ કેવી રીતે બચાવ્યા આ જીવ.
🧐કેસ ૧: ૧૧ વર્ષના બાળકના ફેફસામાં ફસાઈ પિન
દાહોદના એક 11 વર્ષના બાળક સાથે ગંભીર ઘટના બની હતી. રમતા-રમતા આ બાળકના ફેફસામાં પેપર પિન ફસાઈ ગઈ હતી. બાળકને શ્વાસ લેવામાં અત્યંત તકલીફ થવા લાગતા તેને તાત્કાલિક દાહોદથી વડોદરાની SSG હોસ્પિટલ ખાતે રેફર કરવામાં આવ્યો હતો. અહીં ENT વિભાગની ટીમે જટિલ ગણાતી ‘બ્રોન્કોસ્કોપી’ પદ્ધતિનો ઉપયોગ કરી સફળતાપૂર્વક આ પિન બહાર કાઢી હતી.
👉કેસ ૨: ૩ વર્ષના બાળકના ગળામાં ફસાયો સિક્કો
બીજો કિસ્સો પાદરાનો છે, જ્યાં માત્ર 3 વર્ષનું બાળક રમતા-રમતા સિક્કો ગળી ગયું હતું. સિક્કો ગળાના ભાગે ફસાઈ જતા બાળકની હાલત કફોડી થઈ હતી. તેને પણ તાત્કાલિક SSG હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ તાત્કાલિક સર્જરી કરી સિક્કો બહાર કાઢ્યો હતો.
👨⚕️તબીબોની સફળતા અને અપીલ
ડૉ. રાહુલ ગુપ્તા અને તેમની ટીમની સમયસૂચકતાને કારણે આજે બંને બાળકો સંપૂર્ણપણે સ્વસ્થ અને સુરક્ષિત છે. આ અંગે વધુ માહિતી આપતા SSG હોસ્પિટલના ENT વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. ઈશિતા શાહએ જણાવ્યું હતું કે:
🎤[બાઈટ – ડૉ. ઈશિતા શાહ]:
“અમે સફળતાપૂર્વક પિન અને સિક્કો કાઢી લીધા છે. રજાના દિવસોમાં જ્યારે બાળકો ઘરે હોય છે, ત્યારે આવી ઘટનાઓમાં વધારો જોવા મળે છે. અમારી વાલીઓને નમ્ર અપીલ છે કે નાની વસ્તુઓ જેવી કે પિન, સિક્કા, બટન કે સેફ્ટી પિન બાળકોની પહોંચથી દૂર રાખે.”
🙏તબીબોની આ સફળતા વડોદરાના સરકારી આરોગ્ય તંત્રની મજબૂતી દર્શાવે છે. પરંતુ વાલીઓ માટે આ એક ચેતવણી સમાન કિસ્સો છે કે નાની બેદરકારી મોટી હોનારત સર્જી શકે છે.