Vadodara

MGVCLની ઓફિસ બહાર સ્માર્ટ મીટરનું બેસણું કર્યું, લોકોએ કહ્યું: ‘7000 પગાર છે ને 6,000 બિલ આવ્યું’

Published

on

વડોદરા શહેરમાં MGVCL દ્વારા લગાવવામાં આવેલા સ્માર્ટ મીટરનો છેલ્લા કેટલાક દિવસથી વિરોધ થઈ રહ્યો છે, ત્યારે આજે વડોદરાના સુભાનપુરા સ્થિત MGVCLની ઓફિસ બહાર સ્થાનિક રહીશોએ સ્માર્ટ મીટરનું બેસણું યોજીને અનોખી રીતે વિરોધ કર્યો હતો અને જૂના મીટર લગાવવાની ઉગ્ર માંગ કરી હતી. સ્થાનિક લોકોએ MGVCLના અધિકારીને પણ આ મુદ્દે ઉગ્ર રજૂઆત કરી હતી

Advertisement

સ્થાનિક મહિલા કમળાબેન દરજીએ જણાવ્યું હતું કે, અમે ઓછું કમાઇએ છીએ, રોજ બંગલે બંગલે જઈને કામ કરીએ, ત્યારે મહિને પૈસા મળે છે, જોકે આ મીટરમાં 10 દિવસ પહેલા જ પૈસા નાખવા પડે છે. અમારી પાસે પૈસા હોય તો નાખીએ ને. અમારા ઘરે નાના નાના છોકરા છે અને લાઈટ જતી રહે છે. અમારી પાસે સ્માર્ટફોન નથી અને કેવી રીતે રિચાર્જ કરીએ. આ મીટરને કારણે અમને એવું લાગે છે કે, અહીં આવીને મરી જઈએ, કારણકે હવે જીવાય એવું નથી. અમે અહીં આવીને મરવાની તૈયારી કરી હતી, કારણ કે અમે હેરાન થઈ ગયા છીએ. અમારા જૂના મીટર અમને પાછા આપો અમારે આ સ્માર્ટ મીટર નથી જોઈતા.

Advertisement

સ્થાનિક રૂપલબેને જણાવ્યું હતું કે, અમને નવા સ્માર્ટ મીટર નથી જોઈતા, અમને અમારા જુના મીટર આપી દો. નવા મીટરમાં ખૂબ જ વધારે બિલ આવે છે. પહેલા જૂના મીટરમાં બે મહિને 3500 રૂપિયા બિલ આવતું હતું અને હવે સ્માર્ટ મીટરમાં એક મહિનામાં જ 6000 રૂપિયા બતાવે છે. હું ઓફિસમાં કચરા પોતા કરીને મહિને 7,000 રૂપિયા કમાઉ છું, તેમાંથી 6000 રૂપિયા તમારા બિલ ભરવામાં જતા રહ્યા છે મારા પતિ હાલ બીમાર છે જેથી અમે ખૂબ જ મુશ્કેલીમાં છીએ.

સામાજિક કાર્યકર વિરેન રામીએ જણાવ્યું હતું કે, સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી સરકારે બંધ કરી દીધી છે, પરંતુ, જેમના ઘરોમાં સ્માર્ટ મીટર લાગી ગયા છે, તેમની ઉપર ખૂબ જ બોજ પડી રહ્યો છે, જેથી અમારી માંગણી છે કે, જૂના મીટર લગાવવી દેવામાં આવે અને આ સ્માર્ટ મીટર હટાવવામાં આવે. જૂના મીટરની વેલીડીટી 15 વર્ષની હતી, તેમ છતાં આ મીટર હટાવી દેવામાં આવ્યા છે, જેથી આજે અમે સુભાનપુરા ખાતે આવેલ MGVCLની ઓફીસ ખાતે સ્માર્ટ મીટરનું બેસણું કર્યું છે અને આગામી દિવસોમાં જો આ સ્માર્ટ મીટર હટાવવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.

Advertisement

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી વડોદરા સહિત રાજ્યભરમાં સ્માર્ટ મીટરને લઈને લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, જેને પગલે રાજ્ય સરકાર દ્વારા હાલ પૂરતું નવા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી પર રોક લગાવવામાં આવી છે, જોકે જે લોકોના ઘરમાં સ્માર્ટ મીટર લાગી ગયા છે તે લોકો આ મીટરમાં આવતા બીલથી ત્રસ્ત થઈ ગયા છે અને તેનો વિરોધ કરી રહ્યા છે.

Advertisement

Trending

Exit mobile version