વડોદરાના સમા વિસ્તારમાં આવેલો પ્રખ્યાત અગોરા મોલ અત્યારે મોતનો અડ્ડો બની રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. માત્ર એક જ અઠવાડિયાના ટૂંકા ગાળામાં અહીં ઊંચાઈ પરથી નીચે પટકાવાને કારણે બીજા યુવકનું મોત નીપજ્યું છે, જેને પગલે સમગ્ર શહેરમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
✍️ઘટનાની વિગત:
આજે વહેલી સવારે મોલના 17મા માળે લિફ્ટ સંબંધી કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન કામ કરી રહેલો એક શ્રમિક અચાનક સંતુલન ગુમાવતા સીધો નીચે પટકાયો હતો. 17મા માળેથી નીચે ખાબકતા યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
🧐સુરક્ષા સામે સવાલો:
ઉલ્લેખનીય છે કે હજુ ગત અઠવાડિયે જ આ જ મોલમાં ચોથા માળે લટકતા હોમગાર્ડ જવાન હિતેન્દ્ર પરમારનું નીચે પટકાતા મોત થયું હતું, જેના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા હતા. એ ઘટનાની તપાસ હજુ પૂર્ણ નથી થઈ ત્યાં જ 17મા માળેથી શ્રમિકના પટકાવાની ઘટનાએ મોલ મેનેજમેન્ટની સુરક્ષા વ્યવસ્થા અને સેફ્ટી ગિયર્સના ઉપયોગ સામે મોટા સવાલો ઉભા કર્યા છે.
🚨પોલીસ કાર્યવાહી:
ઘટનાની જાણ થતાં જ સમા પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અકસ્માત મોતનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. શ્રમિક લિફ્ટના ખાડામાં પડ્યો કે બિલ્ડિંગની બહારની તરફથી, તે દિશામાં પોલીસ ઝીણવટભરી તપાસ કરી રહી છે.