વડોદરા જિલ્લાના સાવલી–વડોદરા રોડ પર જીઈબી નજીક આજે બપોરે એમ્બ્યુલન્સ અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાતા મોટરસાયકલ ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક સંપૂર્ણપણે રસ્તા પર પટકાઈ ગઈ અને ચાલકને ગંભીર ઇર્જાઓ પહોંચી હતી. ઘટનાસ્થળે ક્ષણોમાં જ સ્થાનિક લોકોને ટોળાં ઉમટી પડ્યાં હતાં અને પરિસ્થિતિ અંગે જાણવા ઉત્સુકતા વ્યક્ત કરી હતી.
આ અકસ્માત બાદ તાત્કાલિક સારવાર માટે એમ્બ્યુલન્સ દ્વારા ઈજાગ્રસ્ત બાઈક ચાલકને સાવલીની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલ ઈજાગ્રસ્તની સારવાર ચાલી રહી છે, જોકે તેની સ્થિતિ ગંભીર હોવાનું પ્રાથમિક માહિતી પરથી જાણવા મળ્યું છે. અકસ્માતનાં પગલે રોડ પર ટ્રાફિક પણ થોડા સમય માટે ધીમો થયો હતો.
અકસ્માત બાદ એમ્બ્યુલન્સ ચાલક અને બાઈક ચાલક વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ સર્જાઈ હતી. બંને વચ્ચે રસ્તા પર જ વિવાદ ઊભો થતાં તણાવપૂર્ણ સ્થિતિ નિર્માણ થઈ હતી. ઘટનાની જાણ થતાં સાવલી પોલીસે સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે. પ્રાથમિક અંદાજ મુજબ ઝડપ અને ઓવરટેકિંગને કારણે અકસ્માત બન્યો હોવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. આ ઘટનાથી વિસ્તારમાં ચર્ચા અને ચકચાર મચી ગઈ છે.