લોખંડની કોદાળી, તથા લાકડાના દંડા વડે માથામાં તેમજ શરીરે જીવલેણ માર મારીને મરી ગયા હોવાનું માનીને ઓરડીમાં નાંખી દીધા હતા
- ગ્રામ્ય એલસીબીને મોટી સફળતા મળી.
- લૂંટનો કેસ ઉકેલતા ખૂંખાર આરોપી હાથ લાગ્યો.
- આરોપી ટુંકા સમય માટે નોકરી કરીને લૂંટને અંજામ આપતો હતો.
વડોદરા ગ્રામ્યમાં આવતા ડભોઇમાં તાજેતરમાં લૂંટનો ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ગુનો ઉકેલવા માટે ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો કામે લાગી હતી. દરમિયાન ટીમને બાતમી મળી કે, આ ગુનામાં સંડોવાયેલો આરોપી દયારામ ભૂરા મોહનિયા (મૂળ રહે. તડવી ફળિયું, હત્યાદેલી, રામા, જામ્બુઆ, મધ્ય પ્રદેશ) હાલ જુનાગઢ જિલ્લાના વિસવદર તાલુકાના મહુડા ગામની સીમાં રહે છે. જેથી ટીમો તુરંત સ્થળ પર પહોંચીને આરોપીને હસ્તગત કર્યો છે.
આરોપી દયારામ મોહનીયાની કડકાઇ પૂર્વક પુછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો. તેણે જણાવ્યું કે, અગાઉ ફરતીકુઇ ગામની સીમમાં આવેલી ડભોઇ વેગા ચોકડી ખાતે શ્રીરામ ટીમ્બર્સ અને સેન્ટીંગની દુકાનમાં તે મજુરી કામ કરતો હતો. અને નજીકમાં આવેલી ઓરડીમાં પરિવાર સાથે રહેતો હતો. બનાવના 15 દિવસ પહેલા ડભોઇ ગામન છોડીને મધ્ય પ્રદેશ ખાતે પરિવાર સાથે તે પરત જતો રહ્યો હતો. આરોપી મજુરી કામ દરમિયાન રહેણી-કરણી તેમજ પરિસ્થિતીઓથી વાકેફ થઇ જતા તેણે પ્લાન બનાવ્યો હતો. તેણે સહઆરોપી સાથે મળીને રાતના અંધારામાં ફરિયાદીને લોખંડના હાથાવાળી કોદાળી, તથા લાકડાના દંડા વડે માથામાં તેમજ શરીરે જીવલેણ માર મારીને મરી ગયા હોવાનું માનીને ઓરડીમાં નાંખી દીધા હતા. અને રોકડા રૂ. 47 હજાર અને મોબાઇલ ફોનની લૂંટ કરી હોવાની કબુલાત આપી હતી. આ કાર્યવાહીમાં આરોપી પાસેથી લૂંટના ભાગમાં મળેલ રૂ. 10 હજાર રિકવર કરવામાં આવ્યા છે.
આરોપી જુદી જુદી જગ્યાએ છોડો સમય મજુરી-નોકરી કરીને શેઠ-દુકાનદારનો વિશ્વાસ કેળવીને તેમજ સ્થાનિક પરિસ્થિતીઓથી વાકેફ થઇને, માહિતી એકત્ર કરતો હતો. ત્યાર બાદ તે નોકરી છોડી દેતો હતો. પછી લૂંટના ઇરાદે પોતાના સાગરિતો સાથે પરત આવીને ધાડ, લૂંટ જેવા ગંભીર ગુનાઓને અંજામ આપતો હતો. આરોપી જામનગરના કાલાવાડ ટાઉન પોલીસ મથકમાં નાસતો ફરતો હતો.,
આરોપી વિરૂદ્ધ રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત સહિત વિવિધ પોલીસ મથકમાં 7 ફરિયાદ નોંધાવેલી છે. આરોપી અગાઉ મધ્ય પ્રદેશમાં 10 વર્ષ પહેલા ખૂનના ગુનામાં સજા પણ ભોગવી હોવાની કબુલાત પોલીસ સમક્ષ આપી છે.