રાજ્યભરમાં પડેલા ધોધમાર વરસાદમાં રસ્તાઓ ધોવાઈ જવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. જોકે હવે ધોરીમાર્ગ પર પણ મોટા ખાડાઓ પડવાને કારણે વાહનચાલકોને હાલાકી ભોગવવી પડે છે. સુરતથી અમદાવાદ તરફ જવાના માર્ગ પર એક્સપ્રેસ વે તરફ જતા સમયે અસંખ્ય ખાડાઓ જોવા મળી રહ્યા છે. જેના કારણે વાહનચાલકોને સહન કરવાનો વારો આવ્યો છે.
તાજેતરમાં નવા બનેલા દિલ્હી મુંબઇ એક્સપ્રેસ વે પર વડોદરાથી ભરૂચ તરફ જવાના એક્સપ્રેસ વેના કેટલાક ભાગમાં RCC રોડ પર મોટા ખાડાઓ પડી જવાને કારણે ગત રોજ અનેકH વાહનોના ટાયર ફાટયા હોવાનો કિસ્સો સપાટી પર આવ્યો હતો. એક્સપ્રેસ વે સંપૂર્ણ રીતે ખુલ્લો મુકવામાં આવ્યો નથી ત્યાં તો રસ્તાઓ ધોવાઈ જતા તેની ગુણવત્તાઓ પર સવાલ ઉભો થઇ રહ્યો છે.
જ્યારે બીજી તરફ નેશનલ હાઇવે 48 પર પણ ઠેર ઠેર મોટા ખાડાઓ જોવા મળ્યાં છે. એક તરફ સુરત તરફથી આવતા વાહનોને વડોદરામાં સાંકડા બ્રિજને કારણે બામણગામ,પોર અને જાંબુઆ નજીક ભારે ટ્રાફિકજામ સહન કરવો પડે છે ત્યારે બીજી તરફ શહેર નજીક દુમાડ ચોકડી નજીક સર્વિસ રોડ અને સાવલી તરફ જતા રોડ પર અસંખ્ય ખાડાઓથી વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે.
જાણે રોડ પરથી ડામર ધોવાઈ ગયો હોય તેમ ફક્ત રોડાની ટેકરીઓ જ બચી છે. જેના કારણે રસ્તો ઉબડખાબડ થઈ ગયો છે. નેશનલ હાઇવે 48 પર વાહનોની સ્પીડ પણ વધારે હોય છે. એવામાં આખા રોડ પર પડેલા ખાડામાં વાહનચાલકોના વાહનો તેમજ શરીરને પણ નુકશાન વેઠવું પડે છે.