ફરિયાદીએ પુછ્યું કે, તમે કોણ છો, જીએસટીના અધિકારી છો, બાદમાં સામેથી પોલીસ અધિકારી તરીકેની ઓળખ આપવામાં આવી
- વડોદરામાં નકલી પોલીસ કર્મીએ ગેંગ સાથે ભેગા મળીને પૈસા પડાવ્યા.
- જાન્યુઆરીમાં આપેલી ફરિયાદની 9 માં મહિને પોલીસ ફરિયાદ નોંધાઇ
- સમગ્ર મામલે પોલીસે પાંચ આરોપીઓને દબોચી લીધા.
વડોદરા શહેરના વાડી પોલીસ મથકમાં ફરિયાદી ઉવેશ ઇસ્લામુદિન મલેકે ફરિયાદ આપી હતી. જે અનુસાર, 26, જાન્યુઆરી – 2025 ના રોજ તે તેના મિત્ર જોડે ગોડાઉન પર હતા. ત્યારે સાંજે પાંચ વાગ્યે બે અજાણ્યા ઇસમો ફોર્મલ કપડાંમાં ગોડાઉન પર આવ્યા હતા. અને તેમાં મુકેલો ઇલેક્ટ્રોનિક્સનો માલ-સામાન જોવા માંડ્યા હતા. બાદમાં કહ્યું કે, આ ચોરીનો માલ છે, જીએસટીનું બીલ અને માલનું બીલ માંગ્યું હતું. જેથી ફરિયાદીએ કહ્યું કેસ મારો ધંધો રૂ. લાખથી વધારે નથી, જેથી જીએસટી બીલ નથી. બાદમાં અજાણ્યા ઇસમોએ ગોડાઉનમાં પડેલો માઉસ, કી-બોર્ડ, સહિતના સામાનનો વીડિયો લીધો હતો.
જે બાદ ફરિયાદીએ પુછ્યું કે, તમે કોણ છો, જીએસટીના અધિકારી છો, બાદમાં સામેથી વાડી પોલીસ મથકના અધિકારી તરીકેની ઓળખ આપવામાં આવી હતી. થોડી વારમાં ત્રીજી વ્યક્તિ કેમેરો અને માઇક લઇને આવ્યો હતો. તે પોતે પ્રેસમાં હોવાની ઓળખ આપી હતી. અને ગોડાઉનમાં પડેલા સામાનનો વીડિયો ઉતારવા લાગ્યો હતો. બાદમાં તેણે ગંદી ગાળો આપી હતી. તથા તમામે મળીને ચોરીનો સામાન છે, તને ગુનામાં ફીટ કરી દઇશ, પાંચ લાખ રૂપિયા આપવા પડશે, તેવી માંગ કરી હતી. બાદમાં ફરિયાદી પાસેથી રૂ. 60 હજાર પતાવટના લીધા હતા. બીજા દિવસે પોલીસ તરીકેની ઓળખ આપનાર શખ્સ અન્યને લઇને આવ્યો હતો. તેની ઓળખ પુછતા તેણે જણાવ્યું કે, આ સાહેબ નવા આવ્યા છે, બહુ કડક સ્વભાવના છે. બાદમાં ગોડાઉનનો સામાન જમા લેવાનું કહીને ફરિયાદી પાસેથી રૂ. 5 લાખની માંગણી કરી હતી. અંતે રૂ. 60 હજારમાં પતાવટ કરી દેવામાં આવી હતી.
ફરિયાદના આધારે ગતરોજ વાડી પોલીસ મથક દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે બાદ પોલીસની ટીમો એક્શનમાં આવી હતી. ટેક્નિકલ સોર્સ અને હ્યુમન સોર્સના આધારે ફરિયાદીના મિત્ર મોઇન આશીફસા દિવાન (રહે. કુંભારવાડા, બાવામાનપુરા, પાણીગેટ), પોલીસ તરીકે ઓળખ આપનાર – સનસની ક્રાઇમ ન્યુઝના કહેવાતા તંત્રી, દિનેશ નથુરાવ હીરે (રહે. એકતાનગર, આજવા રોડ, વડોદરા), સનસની ક્રાઇમ ન્યુઝના કહેવાતા તંત્રી, સલીમ સીદીકભાઇ શેખ (રહે. સંગમ ક્વાટર્સ, એકતાનગર, વડોદરા) પોલીસ તરીકેની ઓળખ આપનાર તજ્જમુલઅલી ઉર્ફે લાલુ આરિફઅલી સૈયદ (રહે. તબસ્સુમ પાર્ક, તાંદલજા, વડોદરા), અને હર્ષદભાઇ લીંબાભાઇ ગોહીલ (નિવૃત્ત પોલીસ કર્મચારી) (રહે. વૈકુંઠધામ સોસાયટી, મકરપુરા એરફોર્સ, વડોદરા) ની ધરપકડ કરી છે.
ઉપરોક્ત તમામ પાસેથી ખોટી રીતે કઢાવેલા રૂ. 90,500, રીક્ષા અને બાઇક મળીને કુલ રૂ. 2.40 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. પોલીસે તમામની ધરપકડ કરીને તેમના વિરૂદ્ધ વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.