વડોદરા: છેલ્લા ઘણા સમયથી વડોદરા મહાનગર પાલિકામાં શાસક પક્ષ (ચૂંટાયેલી પાંખ) અને મ્યુનિસિપલ કમિશનર (વહીવટી પાંખ) વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ અને શીતયુદ્ધના કારણે શહેરના અનેક વિકાસલક્ષી કામો ખોરંભે પડ્યા હતા. પદાધિકારીઓ અને કમિશનર વિભાગ વચ્ચે સંકલનના અભાવે ઘણા મહત્વના કામો સ્થાયી સમિતિના એજન્ડા સુધી પહોંચતા નહોતા. જોકે, હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવતા જ આ અબોલા તૂટ્યા હોય તેમ જણાય છે. પાલિકાની સ્થાયી સમિતિમાં અચાનક એકસાથે રૂ. 230 કરોડના વિકાસ કામો રજૂ કરી દેવામાં આવ્યા છે.
અંદાજ કરતા ઊંચા ભાવે ટેન્ડરો: તિજોરી પર ભાર
રજૂ કરવામાં આવેલા કામોમાં ચોંકાવનારી બાબત એ છે કે મોટાભાગના કામો તેના નિર્ધારિત અંદાજ (Estimate) કરતા વધુ રકમમાં મંજૂર કરવાની ભલામણ કરાઈ છે. ખાસ કરીને ‘ફ્યુચરિસ્ટિક પ્લાનિંગ સેલ’ હેઠળના કામોમાં 20 ટકા જેટલો ધરખમ વધારો જોવા મળ્યો છે, જે પાલિકાની તિજોરી પર વધારાનું ભારણ નાખશે.
📌 સ્વિમિંગ પુલ અને યોગ સેન્ટરના કામોની વિગત
બિલ્ડીંગ પ્રોજેક્ટ શાખા દ્વારા શહેરના પશ્ચિમ અને દક્ષિણ ઝોન માટે કરોડોના ખર્ચે સ્વિમિંગ પુલ બનાવવાનું આયોજન કરાયું છે:
- નવીન સ્વિમિંગ પુલ, અટલાદરા (પશ્ચિમ ઝોન)
- ઈજારદાર: વી.સી. પ્રોજેક્ટ એન્ડ ઇન્ફ્રા પ્રા.લી.
- અંદાજીત રકમ: રૂ. 11,56,35,569
- રજૂ થયેલ ભાવ (GST સિવાય): રૂ. 12,37,30,059
- વધારો: 7%
- નવીન સ્વિમિંગ પુલ, માંજલપુર (દક્ષિણ ઝોન)
- ઈજારદાર: વી.સી. પ્રોજેક્ટ એન્ડ ઇન્ફ્રા પ્રા.લી.
- અંદાજીત રકમ: રૂ. 11,56,35,569
- રજૂ થયેલ ભાવ (GST સિવાય): રૂ. 12,37,30,059
- વધારો: 7%
- નવીન યોગ સેન્ટર, સયાજીપુરા (પૂર્વ ઝોન)
- ઈજારદાર: યશ કન્સ્ટ્રક્શન
- અંદાજીત રકમ: રૂ. 1,96,69,391
- રજૂ થયેલ ભાવ (GST સિવાય): રૂ. 2,06,07,621
- વધારો: 4.77%
વડસર તળાવના નવીનીકરણમાં 20% નો તોતિંગ વધારો સૌથી વધુ ચર્ચા ‘ફ્યુચરિસ્ટિક પ્લાનિંગ સેલ’ અંતર્ગત થનારા વડસર તળાવના નવીનીકરણના કામની છે. આ કામ માટે મ્યુનિસિપલ કમિશનર તરફથી જે ભલામણ આવી છે તેમાં ભાવ ખૂબ ઊંચા છે:
- ઇજારદાર: મે. એકમે કન્સ્ટ્રક્શન
- નેટ અંદાજીત રકમ: રૂ. 4,68,02,487
- રજૂ થયેલ ભાવ: રૂ. 5,63,96,997 (20.50% વધુ)
નોંધ: અચાનક આટલા મોટા પાયે અને ઊંચા અંદાજ સાથે કામો રજૂ થતા પાલિકાના રાજકારણમાં અનેક ચર્ચાઓ જાગી છે. વિપક્ષ અને જાગૃત નાગરિકોમાં ગણગણાટ છે કે શું ચૂંટણી ટાણે મળતિયાઓને ફાયદો કરાવવા માટે આ ઉતાવળ કરવામાં આવી રહી છે?